પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
માણસાઈના દીવા
 

સંતાઈ રહ્યો અને પછી ડાકુ નામદારિયાની ટોળી બંધાઈ ત્યારે તેનો સાગરીત બન્યો.

વાત્રક-કાંઠાના એક ખેતરની અંદર તે રાત્રિએ જ્યારે નામદારિયાની ટોળી અંધકારમાં પડી હતી ત્યારે બહારવટિયાને મળવા જનાર રવિશંકર મહારાજની સામે ખેતરની ઝાંપલીએ ખડો થનાર એ બંદુકધારી બહારવટિયો આ મોતી હતો, તેની તો મહારાજને પહેલી જાણ ૧૯૪૨માં મોતીએ પોતે કરી ત્યારે જ થઈ. પણ મોતી નામનો બારૈયો વાણિયાનું ખૂન કરીને પછી બહારવટિયામાં ભળેલો, અને પકડાઈ જઈ બાવન વર્ષની ટીપ પામેલો, તેટલી તો એમને ખબર હતી.

વિશેષ ખબર હવે જેલમાં પડીઃ જુવાન મોતીએ જેલમાં દાખલ થઈને પહેલું પરાક્રમ એ કર્યું કે જેલનું કોઈ પણ કામ કરવાની એણે ચોખ્ખી ના સંભળાવી દીધીઃ સાદી મજૂરી, મધ્યમ મજૂરી, ભારે મજૂરી-કંઈ જ નહીં! ના, નહીં. ચક્કી પીસવાની- તો કહે ના. ઘાણીએ જૂત – તો કહે કે, કદી નહીં. કોસ ખેંચીશ? નહીં. સૌ કોઈને લલચાવનારું વીશીનું કામ કરીશ? નહીં કરું. છેવટે ઝાડું જેવું સાદું કામ? ના, ના, ના.

કામ કરવાની ના સંભળાવવા બદલ મોતીને એક પછી એક જેલ-સજા મળવા લાગી, એ મોતી મૂંગે મોઢે ભોગવવા લાગ્યો. જેલ 'મેન્યુઅલ'ના ભાથામાં સજાઓનો પાર ન્હોતોઃ મોતીની તાકાતનો પણ તાગ ન આવ્યો. ડંડાબેડી, ઊભીબેડી, તાટકપડાં... એમ કરતાં કરતાં આખરે એકસામટા તેર દિવસની ખોરાકી બંધ! અગિયારમે દિવસે મોતી બેભાન બનીને પડી ગયો ત્યારે દાકતરે આવીને એને ખોરાક આપવાનો હુકમ કર્યો; પૂછ્યુંઃ" હવે કામ કરવું છે ?”

“ના રે!” અવાજ બદલ્યો હતો, જવાબ નહીં.

“અચ્છા, ડાલો અંધારીમેં!”

એ અંધારી ખોલીની એકલતુરંગમાં બંધ બારણાં પાછળ, મોતી બારૈયા પૂરાઈ ગયો.