પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક હવાઈએ જલાવેલી જિંદગી
૧૯
 


એક દિવસ – બે દિવસ – સાત દિવસ –

એક મહિનો – બે મહિના – છ મહિના –

ડરો નહીં, કલમ! જરા હિંમત રાખી લખો -

એક વર્ષ – બે વર્ષ – ત્રણ -ચાર પાંચ – અને છ વર્ષ....

અંધારી એક ખોલીમાં.

છઠ્ઠે વર્ષે ઈલાકાની જેલોના ઉપરી અધિકારી કર્નલ ભંડારી જેલતપાસે આવે છે, અંધારી ખોલી પર જઈ ખડા રહે છે અને કહે છે,"ખોલ દો!"

અંધારી ઊઘડે છે- જાણે જીવતી સમાધ ઊઘડે છે.

અંદર જીવતો ઊભો છે .. બારૈયો મોતી.

“તારે કામ કરવું છે ?” ઊપરી પૂછે છે.

“ના.” મોતીનો ઉત્તર બદલ્યો નથી.

“અચ્છા, નહીં કરના કામ. લે જાવ ઉસ કો ચક્કરમેં. કુછ કામ નહીં દેના. મજે સે રહેને દો. બિલકુલ મત સતાઓ.”

અને મોતીનું શરીર છ વર્ષે ફરીથી સર્વ કેદીઓ સાથેના મોકળા રહેઠાણમાં રહેવા ચાલ્યું ગયું.

ત્રીજે જ દિવસે મોતી બારૈયો ઉપરી અમલદારની સામે ખડો થયોઃ “સા'બ, અરજ કરવી છે.” “બોલો.” “મને કામ આલો.” “ક્યોં?” “કામ વગર ફાવે નંઈ. કામ આલો.”

કર્નલ ભંડારીએ વધુ કશી પૂછપરછ કરી નહીં. 'આટલા દા'ડા કેમ ના કહેતો હતો? આજે એકાએક શું થઈ ગયું?” કશું જ નહીંઃ એક શબ્દ પણ નહીં. કહ્યું કેવળ આટલું જ: "તારી મરજી હોય તો કર, ન મરજી હોય તો કંઈ નહીં.”