પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
માણસાઈના દીવા
 

અને મોતી કામે લાગ્યો. અવલ દરજ્જાનો ઉદ્યમી કેદી નીવડ્યો. આખરે મોતી મુકાદમ બન્યો. એને માથે પીળી પાઘડી મૂકાઈ, જુદી જુદી જેલોમાં એની બદલીઓ પણ થઈ.

એક દિવસ રત્નાગિરી જેલમાં એને ખબર મળ્યા કે ગાંધીવાળા નવા આવેલા કેદીઓમાં એક ઓરત કેદી છે, અને એ કોઈક 'મહારાજ' નામે ઓળખાતા ગુજરાતી માણસની દીકરી છે.

“મહારાજ!”

પંદર–વીસ વર્ષો પરનો એ પવિત્ર શબ્દ કાને પડ્યોઃ 'મહારાજની દીકરી!” એ દોડયો સ્ત્રી કેદીઓની ખોલીઓ તરફ. ત્યાં એણે રવિશંકર મહારાજની પુત્રીને શોધી કાઢી. પગે લાગ્યો, અને બોલ્યોઃ"બૂન, તારા બાપા તો મારા ગુરુ છે. તું લગીરે મૂંઝાતી ના. તારી જે જોઈએ તે મને કહેજે. કશી વાતે તું અહીં મૂઝાતી ના, હોં બૂન.”

જેલ-બદલીઓમાંથી અંતે મોતી જુવાન મટી, આધેડ મટી, બુઢાપાને ખોળે બેસી પાછો સાબરમતી જેલમાં આવીને ઠરીઠામ થયો અને મહારાજ આવ્યા ત્યારે, ઉપર જણાવ્યા પ્રમાણે, વાત્રક-કાંઠાના ખેતરમાંની એ ભયાનક રાતના ઝાંપલી આડેથી ઊઠેલ બંદૂકધારી જુવાનનું સ્મરણ દેવરાવીને મળ્યો.

રાજદ્વારી કેદીઓના રહેઠાણમાં મોતી મુકાદમ છૂટથી અવરજવર કરતો, વાતો કરતો ને વાતો સાંભળતો ઊભો હોય એમાં એકાએક સીટી સાંભળે, એટલે બોલી ઊઠેઃ "જૈશ ત્યારે; મા બોલાવે છે.”

મા બોલાવે છે? મા કોણ! રાજકેદીઓ આશ્ચર્ય પામતા, એટલે મોતી કહેતોઃ મા બોલાવે છે-એટલે વીશી બોલાવે છે. અહીંની વીશી અમારી સાચી મા છે કારણ કે ત્યાં જઈએ એટલે રોટલો-શાક પામીએ. મા છે વીશી તો.”

એક દિવસ રાજકેદીઓ માટે મહારાજ પર બહારથી કોઈકે મકાઈના ડોડા મોકલ્યા. એમાંથી એક લઈને મહારાજે મોતીને આપ્યો.