પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનતા જનેતા બની
[૫]
 


હું આવું માનતો નહોતો. ધરતીનો કોઈ કટકો માનવસુલભ અને માનવસહજ સંસ્કારલીલાથી વંચિત હોઈ શકે નહિ, એવું હું માનનારો છું. તો પછી હું ગુજરાતના એ લોકઇતિહાસને કેમ શોધતો નથી, એવો પણ એક પ્રશ્ન ઊઠ્યો હતો. એ પ્રશ્નમાં ગર્ભિત એવી એક ટકોર પણ હતી કે હું પ્રાંતીયતા—ગ્રંથિથી પીડાઉં છું. હકીકતે આમ નહોતું. કાઠિયાવાડ મારું ઘરઆંગણું, જૂના સૌરાષ્ટ્રના અવશેષો જેવાં માનવીઓને ખોળે મારો ઉછેર, એ જમીનની ધૂળમાં મારે આળોટવું વગેરે કારણોએ મને રોકી લીધો. બીજી બાજુએથી, આ બધાં વર્ષો મેં પુકાર તો ચાલુ જ રાખ્યો હતો કે, ગુજરાતના કોઈ ધરતી-બાળો ઊઠો. તમારો દરિયાકાંઠો ને તમારી કંદરાઓ, કોતરો, પહાડ-કરાડો તેમ જ સપાટ મેદાનો તપાસો. એનાં સંતાનો આ રબારી, પાટણવાડિયા, ઠાકરડા, ખારવા ઇત્યાદિની માણસાઈને ધીરતાથી ઉકેલો. એમાં સાહિત્યધનનો અખૂટ સંચય પડ્યો હશે કારણ કે બહુરંગદર્શી ઇતિહાસ આમાં છુપાયો છે.'

અમદાવાદ જેવાં નગરોમાં મેં નિહાળી નિહાળીને જોયા છે — એ બાઇસિકલ પર દૂધનાં બોઘરાં ગોઠવીને દોડાવ્યે જતા રબારીઓ : મહાકાય અને મૂછાળા, પોતાના અસલી પોષાકમાં શોભતા, માનવવંશવિદ્યાનાં કંઈ રહસ્યોને પોતાની મુખરેખાઓમાં સંઘરનારા, પોતાની સંકેતબોલીમાં કંઈ કંઈ કાળસ્થળોની તવારીખને વહેનારા. અને જોઈ છે એની સ્ત્રીઓ: ગૃહહીન, ધનહીન, છતાં ગૌરવવર્ણી, નીલકમલ સરખે છૂંદણે છવાયેલી પિંડી-ઊંચા ચણિયા પર ઓઢણું લપેટેલી. અને એને ઊભી રાખી પૂછવા મન થયું કે, 'બાઈ ! કહે તો ખરી તારી સંસાર-વીતી ! આ ટાઢ-તડકે અને મેહની ત્રમઝટ હેઠળ તારાં ઢોરાંની સંગાથે ઉઘાડા આભ નીચે તારું અસલી તેજસૌંદર્ય તેં શી જુક્તિથી જાળવી રાખ્યું છે !' મહીકાંઠે કદાવર ઠાકરડા જોયા, રેલગાડીઓમાં ડંગોરા લઈ ચડતા પાટણવાડિયા જોયા અને એ ગુર્જરવાસી જાતિઓ જોઈ જોઈ દિલ ગાતું રહ્યું છે કે —

કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી;
માનવ-ઝરણાંના મહાસ્ત્રોત વળી આવ્યા !
આર્યો-ચીના, દ્રવિડ, હુણો-શક અડાભીડ;
આવી આવીને સર્વ એકમાં સમાયા.