પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
માણસાઈના દીવા
 

'હાજર' શબ્દ વિધવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો :

'જીવી શનિયો' : 'હાજર'

'મણિ ગલાબ'  : 'હાજર'

એ છેલ્લે ’હાજર’ શબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત જ આ પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમીએ પત્રકમાંથી માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું :

"એ કોણ 'હાજર' બોલી ?"

"હું મણિ." સ્ત્રીનો જવાબ આવ્યો.

"જૂઠી કે ? મણિ જ છે કે ? મને છેતરવો છે ? આમ આવ; તારું રઢિયાળું મોં બતાવ જોઉં, મણકી !"

"આ લોઃ જોવો મોં !" બાઈ એ ઊભી થઈને પોતાનો પડી ગયેલો ચહેરો ફાનસના પ્રકાશમાં આગળ કર્યો.

"વારુ ! જા." એમ કહીને અમલદારે મહેમાન તરફ વળીને સ્પષ્ટતા કરી : "એકને બદલે બીજી રાંડો હાજરી પુરાવતી જાય છે. મનમાં માને કે, મુખીને મૂરખાને શી ખબર પડવાની હતી ! પણ જાણતી નથી કે એકોએકનો સાદ હું ઓળખું છુ : હું કાંઈ નાનું છૈયું નથી !"

એટલી ટીકા સાથે ગરાસિયો મુખી પત્રકમાંથી નામો પોકારવા લાગ્યો; અને અહીં ખુરસીએ બેઠેલા પરોણાના સ્વચ્છ, સ્વસ્થ મોં ઉપર ગરમ લોહીએ દોડધામ મચાવી દીધી. રોષ, શરમ, હતાશા અને કાળા ભાવિનો ભય એ ચહેરાને ચીતરવા લાગ્યા.

હાજરી પૂરી કરીને મુખીએ પત્રક બંધ કરી ફરી પાછું પોતે મહેમાન તરફ જોઇને ઉદ્‍ગાર કાઢ્યો : "અત્યાર પૂરતી તો નિરાંત થઇઃ રાતોરાત કોઈ કંઈ ન કરે તો પાડ ! બાકી, આ હાળાં કોળાંનું કંઇ કહેવાય છે ! અહીં હાજરી પૂરાવીને પછી પચીસ ગાઉ પર જતાં ઘર ફાડે !

"બૈરાં !" મહેમાનથી પ્રશ્નરૂપે પુછાઈ ગયું.

"બૈરાં ! એની શી વાત કરો છો ! ચોટ્ટાની છોકરીઓ ને ચોટ્ટાની જ બૈરીઓ ! અમસ્થી જ કંઈ શ્રીમંત સરકારે ગુનેગાર કોમનો કાયદો આ કોમને લાગુ કર્યો હશે ! ઠરડ અને ઠોંશ જુઓ તો દરબારો જેવાં, અને