પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
માણસાઈના દીવા
 

છે હાજરીનુ."

આ સાંભળીને હાજર પુરુષોમાંના ઘણા ખરા હસ્યા, કેટલાક ચૂપ રહ્યા, અને બે ત્રણે બોલનારને ઠપકો આપ્યો : "બેસ, બેસ, મારા હારા હેવાન ! આવું બોલાય કે ? આ તો હારો ગૉડીઓ છે. બોલતાંયે આવડતું નથી."

મુખી મહેમાન સામે જોઇને હસ્યા, મહેમાનનો જીવ ઊંડે ઊતરી ગયો. એમણે થોડી વારે લોકોને પૂછ્યું : "અલ્યા તમારામાંથી કોઈ મને તમારે ઘેર સૂવા ન લઇ જાવ !"

"અરે વાહ !" મુખી ચમકીને બોલી ઊઠ્યા : "આ કોળાંને તાં શા માટે જવું ? અહી ઢોલિયો ઢરાવ્યો છે : નિરાંતવા સૂઈ રો'ને !"

"ના,ના; અહીં મને ઊંઘ નહિ આવે."

બસ ફક્ત એટલું જ બોલીને મહેમાન પોતાનાં બે કપડાંની ઝોળી હતી તે ઊંચકીને એકદમ ઊભા થયા, અને મુખી એના આશ્ચર્યમાંથી જાગે તે પૂર્વે તો મહેમાન એ લોકો પૈકીના એક જણની સાથે પાટણવાડીઆઓના બિહામણા વાસમાં ચાલતા થયા.

મુખીનું માન મહેમાન પ્રત્યે સદંતર ઊતરી ગયું : બ્રાહ્મણનું ખોળિયું કોળાંને ઘેર, ચોર–ડાકુઓને ઘેર, રાતવાસો રહેવા ચાલ્યું ! થોડાક મહિના પર જિલ્લાનાં ગામોમાં 'હૈડીઆ વેરા'*[૧] સામેની લોક–લડતમાં એક ગામે મેળાપ થએલો : ઓચિંતા અહીં આવી ચડેલા દીઠા : આગ્રહ કરીને રાત રોક્યા. ઇચ્છા હતી કે પોતાની સત્તા અને સાહેબી બતાવું : પોતે એકલો આદમી આ સેંકડો વાઘ દીપડા સરીખાં મનુષ્યો પર જે કડપ બેસારી શક્યો હતો તે બતાવવાના કોડ હતા. મહેમાનને માનભેર સરકારી ચૉરે ઉતારો આપ્યો, તે બધું અપાત્રે પિરસાયું સમજીને મુખી ફાનસ ઉપડાવી રોષમાં ઘેર ચાલ્યા ગયા.

અધરાત થવા આવી હતી. મહેમાન જે ખોરડે રાતવાસો રહેવા


  1. *'હૈડીઆ વેરો' એવા નામથી લોકોમાં ઓળખાતો 'પ્યુનિટિવ ટેક્સ' સરકારે ખેડા જિલ્લાની તમામ વસ્તી પર 'બાબર દેવા વગેરે બહારવટિયાને આશરો આપો છો' તેવું કહીને નાખેલો.