પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાજરી
૨૯
 

પ્રથમ તો તેણે સારાં પાંચ ગામ પસંદ કર્યાં. પહેલું ગામ વટાદરા. એણે પાટણવાડીઆઓને ઢંઢોળ્યા : "ચાલો પેટલાદ; હું તમારી હાજરીઓ કઢાવી આલું."

એને કહ્યે કોઈ કરતાં કોઈ ન સળવળ્યું. હાજરીના ત્રાસમાં ડૂબંડૂબા માણસોએ આ માણસની વાતને એક કાનેથી કાઢી નાખી; તમાકુ પીતા પીતા બેઠા રહ્યા. અહીં એને કોઈ ઓળખતું નહોતું. એના વચનમાં વિશ્વાસ આવે તો પણ આ હાજરી એટલી તો સ્વાભાવિક જીવનક્રમ જેવી બની ગઈ હતી કે એના ફેરફારની કોઈને પડી નહોતી.

માંડ માંડ કરીને વટાદરામાંથી પાંચ–સાત પાટણવાડીઆઓને પૂંછડાં ઉમેળી ઉભા કરી, સાથે લઇ પેટલાદ–થાણે પહોંચ્યા, અને ફોજદારને એમની હાજરી કાઢવાનું ટિપ્પણ આપ્યું.

પોલીસ-ફોજદાર ત્રાડો પાડી ઊઠ્યો : "શાનું ટિપ્પણ ? હાજરી કાઢવાનું ? આ હરામી કોળાંઓની........" અને ફોજદારે જીવનભર જેટલી કંઠાગ્રે કરી હતી તેટલી ગાળોનો ત્યાં ઢગલો કરી દીધો.

"જુઓ, ફોજદાર સાહેબ !" મહારાજે જણાવ્યું : "આપણે એ બધી વાતોની કંઈ જરૂર નથી હું કહું તેમ કરો; આ ટિપ્પણ તમેતારે સરસુબા સાહેબને મોકલી આપો. પછી એને ઠીક પડશે તેમ એ કરશે."

થોડા જ વખતમાં તો ફોજદાર ચમકી ઊઠ્યા. વટાદરા તથા બીજાં ગામની સ્ત્રીઓની તો તમામની હાજરી એકી સાથે રદ્દ થયાનો, અને જેમણે અરજી કરી હતી તે બધા મરદોની હાજરી પણ નીકળી ગયાનો, હુકમ વડોદરેથી એના હાથમાં આવી પડ્યો !

ફોજદાર તો ચમકે, પણ ગ્રામપંચાયતોયે ચમકી : પાટણવાડીઆની હાજરી નીકળી જાય, એટલે તો ચોરી–લૂંટોનો સદર પરવાનો મળે ! અને પંચાયતોમાં વેપારીઓ પણ હતા. હાજરી નીકળે તો તો વેપારીનાં હિતો પર પ્રચંડ ફટકો પડે. સીમમાં વેરણછેરણ રહેતા ખેડૂતો કને ઉઘરાણીએ ભટકવાનો ત્રાસ ફરી ઊભો થાય ! હાજરી હતી, તો સગવડ