પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
માણસાઈના દીવા
 

રદ થવાના હુકમની વાત સમજીને બ્રાહ્મણે ઉમંગના ઊમળકા સાથે વળતી પગપાળી મુસાફરી ચાલુ કરી; અને રાતે ચોવીસ ગાઉનો એકધારો પંથ કાપીને પોતાના પ્રિય ગામ વટાદરામાં પહોંયા. તપાસ કરી :

"કેમ ! હાજરી રદ કર્યાનો હુકમ આવી ગયો છે ના ?"

"નારે, બાપજી !" અગાઉ જેમનાં નામો રદ્દ થયેલાં તેઓએ કહ્યું : "અમારાં નામ તો હાજરીમાં ફરીથી પાછાં ઘાલવાનો હુકમ આવ્યો છે."

બ્રાહ્મણ પાસે ત્યાં બેઠા બેઠા બળતરા કરવા કે પત્રવ્યવહારથી કામ લેવાની વેળા નહોતી. વળતા જ પ્રભાતે ફરી પાછા એના લોખંડી પગ વડોદરાની ચોવીસ ગાઉની મુસાફરીએ ચાલ્યા; અને ત્યાં પહોંચી પોતે પોલિસ–અધિકારીને મળ્યા. ત્યાંથી સ્નાનના સમાચાર મળ્યા : "સૂબા સાહેબને તમારી વાતમાં કશો સાર ન લાગવાથી ફેર હાજરીઓ શરૂ કરવાનો હુકમ આપ્યો છે."

સૂબા સાહેબની મુલાકાત માટે રોજરોજ કચેરીનાં પગથિયાં ઘસતા આ બ્રાહ્મણને સૂબાનો ભેટો કદી થયો નહિ; પણ સૂબાના ચિટનીસે એક દિવસ કુતૂહલથી એને પૂછ્યું :

"તમે કોણ છો ? વકીલ છો ?"

"ના."

"ત્યારે તમારે આ લોકોની હાજરી કઢાવવામાં શો સ્વારથ છે ?"

"કશી ખબર નથી; પણ મારે હાજરીઓ કઢાવવી છે, એ તો ચોક્કસ છે."

ચિટનીસે કપાળ પર ચડાવેલાં ચશ્માં પાછાં આંખો પર ગોઠવીને આ બ્રાહ્મણને તિરછી આંખે નિહાળી જોયો : 'સ્વારથ' વગર તે શું માણસ ચોવીસ–ચોવીસ ગાઉની એકાંતરી મજલો ખેંચે ! અને સ્વારથ વગર સૂબાની કોરટનાં, રોજ બાર વાગ્યા સુધી, કોઇ પગથિયાં ઘસે ! એવાં સત્યને કે ચમત્કારને ચિટનીસની દુનિયાના ચાર છેડા વચ્ચે ક્યાંય સ્થાન નહોતું. 'લાલો કાંઈ અમસ્થો લોટે ! 'માણસ રોજ સવારે આવી ધોયેલ મૂળા જેવો ઊભો રહી, બાર વાગે કચેરી ઊઠે ત્યાં સુધી કેવળ ખંભ—શો ખોડાઈ રહી પાછો મૂંગો મૂંગો ઘેર ચાલ્યો જાય—એક દિવસ નહીં,