પૃષ્ઠ:Mansaina Diva.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬]
માણસાઈના દીવા
 

જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે;
જાગો, જાગો, રે પ્રાણ, જાગો ધીરે —
ભારતભૂમિને લોકસાગર-તીરે.

એટલે હુણો, શકો ને સીથિયનોમાંથી ઊતરી આવેલી આ જાતિઓ હશે. એક વેળાનાં જે વિદેશીઓ હતાં તેમની આ ભારતી ઓલાદો કંઈક રુધિરમિશ્રણના પ્રયોગમાંથી નીપજી હશે. નૃવંશશાસ્ત્રનાં અભ્યાસીઓને માટે આ તો કેટલો બુલંદ રહસ્યભંડાર પડ્યો છે ! અમુક કોમ સૂર્યવંશી, ચંદ્રવંશી કે અમુક કોઈ દેવદેવીના મોં, પેટ અથવા સાથળમાંથી નીકળી હોવાની વાતોમાં આપણને રસ નથી. આપણાં કૌતુક, મૌગ્ધ્ય અને મમત્વની બાબત તો એ છે કે 'જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ.' આપણા ગૌરવની વસ્તુ તો આ અનેકનાં એકરસ બનવાની છે.

બલિહારી છે આવા મહારસાયનનાં સંતાનો સમાં ગુર્જરજનોની, અને મોટી બલિહારી તો છે એ રવિશંકર મહારાજ સમ લોકપ્રેમી સંતપુરુષની — કે જેમણે આ ચોર-ડાકુમાં ખપેલાં, માનવસભ્યતાના સીમાડાની બહાર ફેંકાઈ ગયેલાં માનવકુળોમાં પોતાની આત્મબાંધવતાનો અનુભવ કર્યો, અને એ અનુભવમાંથી જાગેલી મમત્વભાવભરી ભાષામાં મારા જેવા માણસને માનવતાનું દર્શન કરાવ્યું. એ દર્શન એવું તો સચોટ હતું કે પોતે મને કહેતા હતા તે ઘડીએ જ હું મહીપ્રદેશને નજરે દીઠા વગર પણ કલ્પનામાં સાકાર કરી શકતો હતો. એટલે જ મને મહારાજે જ્યારે એ માટી તેમ જ માનવીઓ પ્રત્યક્ષ બતાવ્યાં ત્યારે મને એ જૂનાં પરિચિતો જેવાં જણાયાં હતાં. આ દર્શન મેં કર્યું અને આત્મસંવેદન દ્વારા શબ્દસ્થ કર્યું તે કૃપા મહારાજ રવિશંકરની છે. મહારાજ તો એક નવોઢા નારી જેવા શરમાળ છે. પોતાની વાત નહિ પણ પોતે જેને પ્રાણભેર ચાહે છે તે આપ્તજન સમાં આ લોકોની અંતર્હિત માણસાઈની વાતો કહ્યા કરવાના એમને અંતરમાં ઊભરા આવતા હોય છે. મેં એમને વચન આપ્યા મુજબ આ 'માણસાઈના દીવા'માં મારો પ્રયત્ન મહારાજની વ્યક્તિસ્તુતિ ગાવાનો નહિ પણ એ મહીકાંઠાવાસી જનતાની માણસાઈને ઉકેલવાનો રહ્યો છે.