પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનતા જનેતા બની
[૭]
 


માનવી એ એક જટિલ સર્જન છે. ટપાલના સોર્ટરની અદાથી માનવીને પણ આપણે બે ખાનામાં વહેંચી નાખીએ છીએ : સારો અને ખરાબ. એટલું જ નહિ પણ જેને આપણે 'ખરાબ'ના ખાનાંમાં ફેંકી દઈએ છીએ તેને એક તરફથી પોલીસ, અદાલત કે રાજસત્તાની રીતે શકમંદ ગણી માનવતા પર ચોકડી મારીએ છીએ, અગર તો એને ‘ખરાબ’ને ‘સુધારવા’ નીકળીએ છીએ. આ ‘સુધારવા’ની ક્રિયા એટલે કે માનવીને આપણે જેવાં હોઈએ તેવો બનાવવાની ક્રિયા. એને આપણે આપણા બીબામાં ઢાળીએ છીએ. એની ભાષાને ભૂંડી, ગમારુ સમજીને એને આપણા જેવું બોલતો-લખતો કરવો : અજંતાના ચિત્રમાંથી સળવળીને ઊઠેલી એની સુડોળ, સુગઠિત નગ્નતા પર આપણા જેવા પોશાક લાદવા; પહાડો-જંગલોને ગજવતા તીરભાલાધારી ભીલને એના પરાક્રમ, એની પ્રણય-રીત, એના શિકાર-રોમાંચ અને એની આગવી સંસ્કારિતાથી વંચિત કરીને આપણાં સ્કૂલ-કૉલેજમાંથી કારકુની કરનાર તરીકે એને તૈયાર કરવો : એ છે આપણી 'સુધારવા'ની ક્રિયા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પોતાના 'સેટિંગ' વચ્ચે એનું જીવન એક નિરાળી સંસ્કારિતા અને માનવતાના શ્વાસ ઘૂંટી રહ્યું છે. મહારાજ શ્રી રવિશંકરે મને એ મુદ્દાની વાત કહ્યાનું સ્મરણમાં છે. પાટણ તરફના આ લોકો વચ્ચે પોતે કામ કરવા બેઠા ત્યારે વડોદરાના માજી પોલીસ-ઉપરી મેજર એક્‌વિનોએ મહારાજને કહ્યું હતું કે, “જોજો હો ! રખે તમે આ જાતિઓને સુધારવા જતાં એમની આંખોમાં જે એક તેજ છે તેને ઓલવી નાખતા.”

આ સૂચના કેટલી મર્મભરી હતી ! મહારાજને એ કાળજે ચોંટી ગઈ છે. અને મહારાજની તો એ જ દૃષ્ટિ રહી છે. એમની આંખોનાં તેજ પોતે ઓલવવા નથી માગતા. એટલે કે પાટણવાડિયા-ઠાકરડા-ગરાસિયાને પોતે આજના ચાલુ અર્થમાં 'સુધારવા' નથી નીકળ્યા. એમનું નિજત્વ અને સ્વત્વ મહારાજને પ્રિય છે. મહારાજે એમને સારા-નરસાનાં ખાનાંમાં નથી નાખ્યા. કોઈ માણસ સારો નથી કે નથી નરસો : માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. ‘માણસાઈના દીવા’માં એક પ્રકારનું માનવતાદર્શન છે.

પણ પુસ્તકોમાં નિરૂપાતું માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સામે મુકાય છે ત્યારે