પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમલદારની હિંમત
૪૩
 

બોરસદ છાવણીમાં મહારાજ પાસે હાજર થયો.

આ ભીખાને સંતાડવાની કે વડોદરે લઈ જઈ માફી આપવાની તો વાત નહોતી. પહેલું પગલું તો એક જ હતું : જુવાન ભીખાને લઈને મહારાજ ફોજદાર પાસે ગયા. કહ્યું કે, "આને કબજે લો."

કબજે લઈને ફોજદારે ભીખાને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે એને 'લૉક–અપ'માં પૂરવા ફરમાન કર્યું. મહારાજ ભીખાને લૉક–અપ સુધી મૂકવા ગયા. મહારાજની આંખો એને કહેતી હતી કે, 'ધીરજ ધરજે : મૂંઝાઈશ નહિ.'

આગલી રાત સુધી વિકરાળ વાઘ–શો વસ્તીને રોળતો આ જુવાન એ આંખોના બોલ ઉકેલીને સબૂરી ધરી શક્યો. એની આંખો પણ ઉત્તર વાળી ચૂકી.

મહારાજે ચાલવા માંડ્યું ત્યારે પાછળથી ભીખાએ સાદ દીધો : "જરા આવજો તો !"

"કહે : શું છે ?" મહારાજને બીક લાગી કે , જુવાન હમણાં તૂટી જશે કે શું ? ત્યાં તો ભીખો જરી મોં મલકાવીને કહે કે, "બાપજી ! પેલાને હાથ કરવો છે ?"

"કોને ?"

"કાવીઠાવાળા ખોડિઆને."

"હા."

"હું લાવી આપું."

"તું ક્યાંથી ?"

"અહીં નજીક છે : વાસણામાં એક પાટણવાડિયાને તંઈ. હીંડો આપણે જઈએ; તેડી લાવીએ."

"આવશે ?"

"બકરી જેવો દોરાયો આવશે."

"અલ્યા, જરીક વહેલું કહેવું હતું ને ! હવે તો આ લૉક–અપમાંથી....શું થાય !"