પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
માણસાઈના દીવા
 


"હમણાં જઈને લઈ આવીએ...." દેદરડાવાળાના મોં પર ઉત્સાહ અને આશા તરવરી રહ્યાં. જુવાન ચહેરો લૉક–અપના સળિયા સોંસરો ચમક મારતો હતો.

મહારાજને ચેન પડતું નથી. એક અમલદારના ઘર ભણી ઊપડતાં પગલાં વારે વારે થંભી રહે છે અને પાછાં પડે છે. આખરે એ બે પગ ચાલ્યા. અમલદાર પાસે જઈ માંગણી કરી : "આ કેદીને મારી જોડે મોકલો. કાવીઠાવાળો હાથ–વેંતમાં છે : લઈ આવું."

અમલદાર—એક બચ્ચરવાળ બ્રાહ્મણ—પ્રથમ તો આ માગણી સામે હસ્યો : "ન્યાયની કોર્ટમાં નોંધાઈ ચૂકેલ કેદીને છોડવાની વાત કરો છો ! બને કદી !"

"બનાડો." મહારાજનો આગ્રહ વધ્યો.

"મારી લાંબી નોકરી જતી કરું ? હું પોતે ભયંકર જોખમ વહોરું ? આ શું બોલો છો ?"

"માણસની કસોટી કોઈક જ વાર આવે છે."

"પણ—પણ—પણ...."

"સાહેબ, વિચાર તો કરો  : એ ખોડિઓ ભયંકર બહારવટિયો બનશે. કંઈકનાં લોહી પીશે, કંઈકને લૂંટશે; એમાંથી વસ્તીને ઉગારવા માટે એક વાર જોખમ ખેડો."

"પણ મારાં બાળબચ્ચાં...!"

"જાણું છું, એ વિચારે ધ્રૂજું છું. છતાં માગું છું."

અમલદારની તે રાત્રીની ઊંઘ ઊડી ગઈ. એનું મન પોતાનાં સૂતેલા બાળબચ્ચાં અને મહારાજ—એ બેની વચ્ચે લોલકની જેમ ઝૂલતું રહ્યું કેદીને—લૂંટના કેદીને—લૉક–અપમાંથી કાઢું, એ જ ગુનો મને હાથકડી પહેરાવવા માટે પૂરતો થશે; અને આ કેદી જો આ મહારાજને હાથતાળી દઈ નાસી જાય, તો તો મારી જે ગતિ થાય તેની....

કલ્પનામાત્રથી અમલદારની ખોપરી ચક્કરે ચઢી :

નહીં, નહી, નહી ! શા માટે જોખમ વહોરું ! કઈ આશાએ ? કઈ