પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમલદારની હિંમત
૪૫
 

ખાતરી પર ? આ લોકસેવક શું મારાં છોકરાંને ઉગારવાનો હતો ! એને તો જેલ સહજ છે. અને કોઈના પેટમાં ચણ્ય પૂરવાનો નથી : એ તો બેજવાબદાર છે. પણ હું—હું ગરીબ નોકરિયાત—હું જઈને કોનું શરણું લઈશ ? મારા ઉપરી, મારું ખાતું—અરે, આ સેવકો પોતે જ પાછળથી મને મૂરખો કહેશે.

લોલકે સામી બાજુએ ઝૂલો ખાધો : પણ આ માણસ—આ મહારાજ—એ મને થાપ દે ખરા ? એના જેવો આદમી મને અકલ્યાણમાં હડસેલે ખરો ? એ તો જીવનને હોડમાં મૂકનાર મરદ છે. એના જેવા પવિત્ર પુરુષ પર એકાદ વાર ઈતબાર મૂક્યો હોય તો !

અરે જીવ ! અમલદારી તો ઘણાં વર્ષ કરી. એક વાર આ જીવન મરણના ખેલ પણ ખેલી લેવા જેવા નથી ? જિંદગીને આરે જતાં કો‘ દન અંતરજામી બોલશે કે, 'શાબાશ છે, બામણ ! ખાતાની ટૂકડો રોટલીને ખાતર તો અનેક કૂડ-પ્રપંચો આચરેલ છે, તેની સામે આટલી મરદાઈ ભલી કરી !'

એમ ને એમ સવાર પડ્યું. ગડમથલ શમી નહિ. રોટલો ભાવ્યો નહિ. બપોર થયા કચેરીનું કામ કરવું ફાવ્યું નહિ. સાંજ પડી. મહારાજે ફરી વાર દેખા દીધી. બોલવાનું તો કશું બાકી નહોતું; હવે તો આચરવાની જ પળ આવી પહોંચી હતી.

અંધકારના પડદા પડ્યા. લૉક–અપના તાળામાં ચૂપચાપ ચાવી ફરી, વગર અવાજે બારણું ઊઘડ્યું. જુવાન ભીખાને બહાર કાઢવામાં આવ્યો; અને મહારાજના હાથમાં એને સોંપતાં અમલદારે એટલું જ કહ્યું : "મારું સર્વસ્વ—મારાં માલમિલકત, બાળબચ્ચાં અને જિંદગી—તમને સોપું છું."

સોંપનાર પોતાના ઘરને બારણેથી જોઈ રહ્યો : બે આકૃતિઓ રાત્રિના અંધકાર–કાજળમાં આસ્તે આસ્તે ઓળગતી જતી હતી.