પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
માણસાઈના દીવા
 

દેદરડાની ભાગોળે, રાત્રી જ્યારે ત્રીજા પહોર સાથે છાનગપતિયાં કરતી હતી ત્યારે, બેઉ પહોંચી ગયા. આંહીં તો પગ અટકવાનું કોઈ કારણ નહોતું; કારણ કે આ ભીખાનું પોતાનું જ ઘર અહીં હતું. મહારાજ ગામ તરફ ચાલતા જ હતા; પણ આજ્ઞા દેતો હોય તેમ ભીખો પાછળથી બોલ્યો :

"મહારાજ !"

"કેમ ?"

"તમે મારે ઘેર ના આવશો."

"ત્યારે ?"

"અહીં ગામ બહાર બેસો."

"વારુ ! જા."

સૂર્યાસ્ત વેળાનો બોરસદનો બ્રાહ્મણ અમલદાર કલ્પનામાં તરવરી ગયો. એના શબ્દોના ભણકારા પડ્યા : 'મારું સર્વસ્વ તમને સોંપું છું.' દિલમાં એક વધુ થડકારો થયો, પણ માથા પર વશિષ્ઠ અને અરુંધતી ચમકતાં હતાં.

નિર્જન સરકારી ચોરાને પગથિયે પોતે બેઠા રહ્યા. હવે શું થાય છે તે જોવું હતું.

થોડી વારે જુવાન કેદી પાછો આવી ઊભો રહ્યો — અને બ્રાહ્મણને જગતમાં જીવવા જેવું જણાયું : ત્યાં તો ઇતબારનાં ઊંડાં મૂળનેય હચમચાવી નાખે તેવા બોલ ભીખાના મોંમાંથી પડ્યા :

"મહારાજ ! એ તો મારે ખેતરે ગયો જણાય છે. ઘેર નથી."

"વારુ, જા ખેતરે."

એ શબ્દો નીસર્યા, અને તે સાથે જ કેદીએ પગ ઉપાડ્યા.

બ્રાહ્મણનો પ્રાણ જાણે જુગાર ખેલતો હતો ! હોડમાં મૂકવાનું કશું જ એણે બાકી રાખ્યું નહિ. ભીખાને હાર્યે પોતે પણ જીવતા રહી શકે તેમ નહોતું.

થોડી જ વારે ડાકુ પાછો આવ્યો, ને બોલ્યો : "એ તો ખેતરેથી નાસી ગયો છે."