પૃષ્ઠ:Mansaina Diva.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘આપણી ન્યાતની ઇજ્જત’
૫૩
 

સળિયા પાછળ દીઠેલો, તે આજે પણ એની એ જ નિર્મળી રતાશે ચહેરો હસાવતો ઊભો હતો. માતા પુત્રને નીરખી રહે તે ભાવે, મરક મરક થતે મુખ વડે, મહારાજ એને નીરખી રહ્યા હતા.

પછી પોતે ભીખાને ખભે હાથ મૂકીને ક્ષમા માગતા હોય તેવે સ્વરે કહ્યું : "તને માઠું લાગ્યું હશે, ખરું ?"

"શાથી ?"

"આ એમ કે મેં તમને બેઉને ત્રણ-ત્રણ વર્ષની જ સજા પડે એવું કરી આલવાની આશા આપેલી..."

"અરે, રાખો રાખો હવે !" ભીખો વચ્ચે જ બોલી ઊઠ્યો : "અમે તો પગ પૂજીએ તમારા કે પેલો કાવીઠાવાળો ખોડિઓ બતરીશ વર્ષમાં ટીપાઈ ગયો, અને અમે બેઉ તમારા પરતાપે સાત-સાત વર્ષમાં નીકળી ગયા. બે વરસ પછી તો, બાપજી, અમે લીલાલહેરથી ઘેર પહોંચી જશું. તમે જ અમને ઉગાર્યા; નહીં તો કોને ખબર છે—અમે ફાંસીએ લટક્યા હોત ! મને કશું જ માઠું લાગ્યું નથી."

મહારાજને આ બોલમાં માણસાઈના દીવાની નવજ્યોતનું દર્શન થયું.

ભીખો છૂટો પડીને હરખાતો હરખાતો પોતાના ચક્કરમાં ચાલ્યો ગયો.