પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




નિવેદન

[પહેલી આવૃત્તિ]

મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોક્સેવક છે. હું લોકજીવન અને લોક હૃદયનો નમ્ર નિરીક્ષક છું અમારો સમાગમ ફક્ત એકાદ વર્ષ પર થઈ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને અમે એમની માંદગીને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. હું ત્યારે અમદાવાદમાં એકાદ મહિનો રહ્યો હતો. મને એમની પાસે લઈ જવાનો સતત આગ્રહ 'ભારતી સાહિત્ય સંઘ'ના સંચાલક મારા યુવાન સ્નેહી ભાઈ ઈશ્વરલાલ દવે કર્યા કરતા. એ કહે કે, 'તમે મહારાજની વાતો તો સાંભળો; તમને રસ પડશે.'

જાણતો હતો. ભાઈ રતિલાલ અદાણીએ હરિપુરા-મહાસભા વેળા 'ફૂલછાબ'માં મહારાજનાં જે સંસ્મરણો આલેખેલાં, તેણે મને ઉત્કંઠિત કર્યો હતો. એક કરતાં વધુ કારાવાસમાં વારંવાર મહારાજની સાથે મહિનાઓ ગાળી એમની વાતો સાંભળી જે મિત્રો-સ્નેહીઓ બહાર આવતા તેઓ પણ કહ્યા જ કરતા કે, મહારાજની વાતો તારે સાંભળવા જેવી છે.

હું એક તરફથી આકર્ષાતો હતો ને બીજી તરફથી ખચકાતો હતો. મારા સંક્ષોભનું કારણ હતું : હું નર્યા સાહિત્યના ક્ષેત્રનો આદમી. એટલે લોકસેવાના આજીવન દીક્ષિત એક સત્પુરુષની સામે જઈ તેમના અંતરની પવિત્ર ગણેલી વાતો પ્રસિદ્ધિને ખાતર લખવા બેસવા અધિકારી નથી એવું લાગ્યા કરતું, કદાચ કોઈને આ લાઘવ-ગ્રંથિ લાગશે. એ જે હો તે. મારો સંકોચ એ એક હકીકત હતી.

[૯]