પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ ચોર ! કોણ શાહુકાર !
૬૫
 

આઘે ઊભેલો નિહાળ્યો. એ કશું બોલતો નહોતો.

મહારાજ બેઠા થયા, એટલે આદમીએ આગળ ચાલવા માંડ્યું. એ નાસતો હતો. પણ આગળને આગળ જતો જતો એ જાણે કે એવું ઇચ્છતો હતો કે મહારાજ પોતાની પાછળ આવે.

મહારાજ પાછળ ચાલ્યા : પેલો આગળ ને પોતે પાછળ. ગામની ભાગોળ આવી. તે પછી એક ટેકરાળ ખેતર આવ્યું. આગળ ચાલતા આદમીએ એ પછી દોટ મૂકી : દૂર અંધકરમાં જાણે ઓગળી ગયો. એનો પિંડ તો દેખાતો નહોતો, પણ એક અવાજ આવ્યો :

"એ-એ-એ અંઈ છે !"

શું અંઈ છે ? ચોરાટ માલ ત્યાં હશે ? પણ ક્યાં ? 'અંઈ' એટલે ક્યાં ? અવાજ કઈ દિશેથી અવે છે ?

અંધારી રાતે, ટેકરાળ ખેતરમાં, એખરના (દારૂડીના) કાંટાળા છોડ ખૂંદતા, પગે ઉઝરડતા મહારાજ ચાલ્યા. માન્યું કે અવાજ આવ્યો તે દિશે જ પોતે જઈ રહ્યા છે. ખરેખર તો એ ઊલટી જ દિશા હતી. પેલા અંધારામાં ઓગળી ગયેલ માનવીએ બીજે ખેતરે પહોંચી જોયું કે, હાં બાપજી ભૂલા પડ્યા લાગે છે !

થોડી વારે કોઈક માનવી પાસે આવ્યું. માથે લાલ કપડું સાડાલારૂપે ઓઢ્યું હતું. પણ એ સ્ત્રી નહોતી; અવાજ મરદનો હતો : "ઇમ ચ્યોં ફાંફૉં મારો સો ? ઑમ આવો, ઑમ.'

આમ આવો ! પણ 'આમ' એટલે ક્યાં ? દિશા સૂઝ પડતી નહોતી.

ત્યાં તો ખખડાટ થયો : ડબાનો ખખડાટ ! સોનામહોરો કે રૂપિયાનો રણકાર કદીએ એટલો મીઠો નહોતો લાગ્યો જેટલા આ ટીનના ડબાનો ખખડાટ મીઠો લાગ્યો.

એ ડબાના ખખડાટને દોરે દોરે પોતે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ માનવી નહોતું. બૈરાંનો વેશ કાઢીને મરદને અવાજે દોરવણી દેનાર એ માનવી ચાલ્યો ગયો હતો.