પૃષ્ઠ:Mari-Hakikat.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧. સુરત શહેરના આમલીરાન[૧] નામના મહોલ્લામાં બાપદાદાના ઘરમાં હું મારી માને પેટે ગર્ભરૂપ થઈ રહી, કોટવાલી શેહેરી નામના મોહોલ્લામાં મારી માને મોસાળ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસેમ ને શનીવારે અથવા સને ૧૮૩૩ના આગસ્ટ મહિનાની ૨૪મી તારીખે વાહાણાંનાં પ્હોરમાં સુરજ ઉગતે જન્મ્યો હતો. મારા જન્માક્ષર ખોવાઈ ગયા છે, જનમ વેળા મારા બાપ સુરતમાં નોહોતા. મારો જનમ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હતો ને તેથી જ્યેષ્ઠાશાંતિ કરવી પડી હતી. એ શાંતિ જારે મારા બાપે સંવત ૧૮૯0માં મુંબઈથી આવી ૧00 રૂપીઆ ખરચીને કરી તારે તેનાથી મારૂં મ્હોં જોવાયું.

૨. હમે ઔક્ષ્ણસ ગોત્રના કેહેવાઈએ છૈયે. ગૌતમ, અત્રિ, ભરદ્વાજ, કશ્યપ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, અને જમદગ્નિ એ સાત અને અગસ્ત્ય એ આઠ ઋષિયોથકી વંશ વિસ્તાર થયો છે. માટે એ અકકેકું મૂળ તે ગોત્ર કેહેવાય છે ને જે લોકો ઉત્પન્ન થયા તે ગોત્રજ કેહેવાય છે. મુખ્ય ગોત્ર તો આઠ જ પણ બીજા ગ્રંથકારોના મત પ્રમાણે એ આઠથકી જે પહેલા ૪૯ વંશજો થયા તેમને પણ ગોત્ર એવી સંજ્ઞા છે. કેટલાક કેહે છે કે મુખ્ય આઠ અને તેઓના પૌત્ર (છોકરાઓના છોકરાઓ) પર્યંત જે વંશજ તે સર્વ ગોત્ર કેહેવાય. એ વંશજોમાં (પછી પુત્રવંશજ કે પૌત્રવંશજ) કોઈ ઔક્ષ્ણસ નામનો ઋષિ થયલો તે હમારો મૂળ પુરૂષ. એ મૂળ પુરૂષ કહારે થઈ ગયો તે જાણવાની ઇચ્છા થયેથી મેં એક શાસ્ત્રીને પુછ્યું કે, એ ગોત્ર જે છે તે ચાલતા કલિયુગના પ્રારંભથી કે આ ચોકડીના સત્યુગના પ્રારંભથીઋ વળી એવા કલિયુગ ને એવા સતયુગ તો કેટલાક થઈ ગયા હશે. તે શાસ્ત્રી બોલ્યો કે એ વાતનો ખુલાસો મળે નહીં, પણ શ્વેતવારાહ કલ્પના પ્રારંભમાં એ આઠ ઋષિયો થયા હશે. વળી મેં પૂછ્યું કે વસિષ્ઠ નામના શેંકડો ને ઔક્ષ્ણસ નામના શેંકડો થયા હશે ત્યારે હમારો મૂળ પુરૂષ તે કયો ને ક્યારનોઋ (ઉત્તર કંઈ મળ્યો નહીં.)

હમારે પ્રવર ત્રણ છે. એટલે હમારા મૂળ-પુરૂષે અગ્નિહોત્રનાં કામમાં ત્રણ ક્ત્વિજો – કર્મ કરાવનારા બ્રાહ્મણો-ગોર રાખેલા. એ ત્રણનાં નામ વસિષ્ઠ, શકિત ને પરાશર હતાં. બ્રાહ્મણો પરસ્પર ક્ત્વિજો થતા; તે વેળા હાલની પેઠે ગૃહસ્થ ભિક્ષુકનો ભેદ નહોતો. એક શાસ્ત્રી કહેછે કે યજ્ઞકર્મમાં જે ઋષિના સંબંધ થકી અગ્નિની સ્તુતિ કરાય છે તે ઋષિને પ્રવર એવી સંજ્ઞા છે. દરેક માણસનાં ગોત્ર તેણે ઉચ્ચારવાનાં ઋષિઓનાં નામ જુદાં જુદાં છે; તેમની સંખ્યા પ્રત્યેક શાખાનું જે કલ્પસૂત્ર હોય છે તેમાં કહેલી છે અને તે સંખ્યા પ્રમાણે તે માણસ, એકપ્રવરી, દ્વિપ્રવરી, ત્રિપ્રવરી ને પંચપ્રવરી કેહેવાય છે. ચતુ:પ્રવરી ગોત્ર જાણવામાં આવ્યું નથી. કેટલાક કહે છે કે ગોત્રમાં મોટા પૂજ્ય સ્મરણ રાખવા જોગ જે પૂર્વજો તે પ્રવર.

હમે ઋગ્વેદી છૈયે એટલે હમારા મૂળ પુરૂષે અને પછીનાએ એ વેદનું અધ્યયન કરેલું. હમારી શાખા શાંખાયની છે. ઋગ્વેદની આઠ શાખા કહેવાય છે એટલે કર્મકાંડ કરવામાં અને વેદના મંત્રો પાઠાફેર ભણવા સંબંધી આઠ ઋષિયે પોતપોતાના એમ જુદાજુદા આઠ ભેદ રાખ્યા છે, તેમાં હમારા મૂળ પુરૂષે શાંખાયન ઋષિવાળી શાખાની રીત રાખેલી. કોઈ કહે છે કે વેદ ભણવો ને ભણાવવો એ સંબંધી જે જુદી જુદી રીત તે શાખા. (અધ્યયનાધ્યયનવશાત્ ભેદા:)

હમારા પૂર્વજો વૃદ્ધ પરંપરાગત ચાલતાં આવેલાં કુળને ઓળખવાના નામ શર્મ છે. બ્રાહ્મણ છે એમ ઓળખવાને નામની પછવાડે શર્મ એ શબ્દ મુકવામાં આવતો. ક્ષત્રીનાં નામની પાછળ વર્મ, વૈશ્યનાં નામની પાછળ ગુપ્ત અને શૂદ્રનાં નામની પાછળ દાસ. બ્રાહ્મણકુળમાં જન્મ છે એટલું જાણવાને શર્મ શબ્દ હતો. પણ હવે કિયું કુળ તે જાણવાને શર્મના ભેદ રાખ્યા છે. ગોત્ર તો મૂળ પુરૂષ. પણ એવા તો ઘણાક થયેલા તેથી પાસેની પેહેડીનો અને વળી પ્રસિદ્ધિ પામેલો એવો જે પુરૂષ તેનાં નામથી શર્મ ઓળખવા લાગ્યું. દત્તશર્મ, શર્મશર્મ આદિ લઈ. હમારા પૂર્વજો બ્રાહ્મણ તે તો શર્મ શબ્દથી ઓળખાતા, હમારા પૂર્વજોની પ્રસિદ્ધ કુલની અટક શર્મ હતી. માટે હમે શર્મ શર્મ – શર્મ એ નામના અટકના બ્રાહ્મણ. (શર્મ એ સામાન્ય નામ છે તેમ વિશેષ નામ પણ છે.) નર્મદાશંકર શર્મ શર્મ એમ બોલવું જોઈયે પણ એ રીત હાલ નિકળી ગઈ છે. (માત્ર શુભાશુભ કર્મકાંડમાં એ વપરાય છે.)

વળી હમારાં નામની આદિયે હમણાં દ્વિવેદી અથવા અપભ્રંશ રૂપે દવે મુકવાનો ચાલ ચાલુ છે. હમારા પૂર્વજો ઋગ્ ને યજુસ્

  1. આમલીરાન નામ પાડવાનું કારણ આ કે, મોહોટી આગની પહેલાં હમારાં ઘરોની સામે પાંચ પાંચ છ છ ગજને અંતરે પાંચ મોટી આમલીયો હતી. અકકેકી આમલીનાં થડનું કદ બે માણસની એકઠી બાથના ઘેરાવાની બરોબર હતું. બલકે અકકેકી આમલી ૨00-૨૫0 વરસની હશે, એમાંની ત્રણ આમલીની મોટી ડાળીયો હમારાં ઘરનાં છાપરાં પર ઝુમી રહી હતી. અર્થાંત્ આમલી નીચે જ હમારાં ઘરડાનાં ઘરો હતાં. એ આમલીઓનાં થડ અને હમારાં ઘર એ બેની વચમાંના રસ્તા પર આમલીની ઘટાને લીધે સૂરજના પ્રકાશ ઝાંખો પડતો ને સંધ્યાકાળ પછી તો રાન જેવું જ ભયંકર લાગતું. રે ચોરોના ભોથી અને આમલીમાંના ભૂતોના ભોથી સાંજ પછી મોહોલ્લાના સિવાય બીજા થોડા જ લોકો આવજાવ કરતા. એ આમલીયો હમારાં ઘરોની સાથે સં. ૧૮૯૩ની મોટી આગમાં ચૈતર વદ પાંચેમ ને મંગળવારે સને ૧૮૩૭ની ૨૫ મી અપરેલે વાહણે વાયે બળી ગઈયો. સંવત ૧૮૯૪ માં નવાં ઘર ચાર ગાળાનાં મારા બાપ તથા કાકાએ બાંધવા શરૂ કરયાં તે ૧૮૯૫ની આખરે બંધાઈ રહ્યાં. એમાં ચકલેથી આવતાં પહેલા બે ગાળા કાકાના છોકરાઓના છે ને બીજા બે ગાળા મારા છે. મારા ઘરની સામે ખુલ્લી બળેલી જમીન હતી તે મેં આ વરસના જાનેવારી મહિનામાં રૂ. ૬00 એ વેચાતી લઈને બંધાવા માંડી છે – એકકડો અસલની બે આમલીની જગાની વચમાં છે – ને એ નિશાની સારૂ જ મેં એ જગો લીધી છે.