પૃષ્ઠ:Mari-Hakikat.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બે વેદનું અધ્યયન કરતા.

ઉત્તમ જાતિમાં બ્રાહ્મણ ને તેમાં પણ વેદ ભણનારા, શાસ્ત્ર ભણનારાથી શ્રેષ્ઠ મનાતા (વેદાધ્યાયી સદાશિવ:) અસલના વેદિયા વેદાર્થ પણ કરી જાણતા.

એ પ્રમાણે હમારા આઘેના પૂર્વજોનું વૃત્તાંત છે.

૩. સેંકડો વરસ પછી હમારા પૂર્વજો અને બીજા ઘણાએક ગુજરાતમાં આનંદપુર અથવા વડનગરમાં આવી રહેલા તાંહાં તેઓ નાગર બ્રાહ્મણ કહેવાવા લાગ્યા. નાગરોના ‘પ્રવરાધ્યાય’ ઉપરથી જણાય છે કે આનંદપુરમાં બ્રાહ્મણોનાં પંદરસેં ગોત્રો હતાં, તેમાંથી સંવત ૨૮૩ પેહેલાં જે ગોત્રો રહેલાં તેઓ નાગર કહેવાવા લાગ્યા. નાગર બ્રાહ્મણરૂપે હમારું વૃત્તાંત આ પ્રમાણે છે : –

કેટલાએકોએ જાણે અજાણે શૂદ્રાદિકોનાં દાન લીધાં અને વળી તેઓ બીજે ગામ જઈ રહ્યા તે ઉપરથી નાગરના પણ છ સમવાય પડયા છે. વડનગરા અથવા તળબ્દા શુદ્ધ નાગર, વિસલનગરા, સાઠોદરા, ચિત્રોડા, પ્રશ્નોરા ને કુશ્ણોરા. વિસલદેવ રાજાએ વિસલનગર (સંવત ૯૩૬માં) વસાવ્યું ત્યાં કપોતવધનો જગન કર્યો ત્યારે વડનગરથી કેટલાક ત્યાંહાં જોવા ગયા હતા ત્યારે રાજાએ તેઓને દક્ષણા આપવા માંડી, પણ જારે નાગરોએ કહ્યું કે હમે કોઈની દક્ષણા લેતા નથી ત્યારે રાજાએ પાનનાં બીડાંમાં ગામોનાં નામ લખીને પેલા નાગરોને આપ્યાં અને એ રીતે ઠગીને દાન આપ્યું. વડનગરના નાગરોએ પેલા જોવા જનારાઓને દાન લીધાના દોષથી ન્યાત બાહાર રાખ્યા ને એ રીતે છ સમવાય થયા છે.

‘સાઠોદ ગામ છે રેવાકાંઠે, તેનું દાનપાત્ર લઈ અનુસર્યા’,

‘સાઠોદરા પદવી થઈને, વડનગરથી નીસર્યા’ – ૧

‘વિસલદેવ રાજા થયો, અતિ ધર્મસૂં ધીર’,

‘કપોતવધનો જગન કરતે, ત્હાં ગયા બે વીર.’ – ૨

‘તેને છેતરીને છળ કરી, તાંબોલમાં ચિઠ્ઠી ગ્રહી,’

‘વિસલ નગ્રનું દાન કીધું. તે અજાણે લીધું સહી,’ – ૩

વગેરે વગેરે વગેરે.

નાગરોનાં ૭૨ ગોત્ર સંભળાય છે પણ દિનમણિશંકર શાસ્ત્રીયે ૬૪ ગોત્ર લખાવ્યાં છે તે આ : –

કૌશિક, કાશ્યપ, દર્ભ, લક્ષ્મણ, હરિકર, વત્સપાલ, એતિકાયન, ઉદ્વહલ, ભારદ્વાજ, વારાહ, મૌનેય, કૌંડિન્ય, આલૌભાયન, પારાશર, ગૌપાલ, ઔક્ષ્ણ, ગૌતમ, બૈજવાપ, શાંડિલ્ય, છાંદોગ્ય, આત્રેય, વૃદ્ધાત્રેય, કૃષ્ણાધેય, દત્તાત્રેય, કૌરંગપ, ગાલવ, કાપિષ્ટલ, જાતુકર્થે, ગૌરીયત, શાર્ગવ, ગાગ્યાયન, સાંકૃત્ય, શાર્કરાક્ષ, પિપ્પલાદ, શાકાયન, ગાર્ગ્ય, માતકાયન, પાણિનેય, લૌકાક્ષ, કૌશલ, આગ્નિવેશ્ય, હારીત, ચંદ્રભાર્ગવ, આંગિરસ, કૌત્સ, માંડવ્ય, મૌદ્વલ, જૈમિનેય, પૈઠિનસિ, ગૌભિલ, કાત્યાયન, વસિષ્ઠ, નૈધ્રુવ, નારાયણ, જાબાલિ, જમદગ્નિ, શાલિહોત્ર, નધુષ, અગત્સ્ય, ઔષનસ્, ભાગુરાયણ, ત્રૈવણેય, વૈતાયન અને ચ્યવન. એ ૬૪માં આઠ ગોત્ર ઊંચાં કુળ કહેવાય છે તે આ :

કાશ્યપશ્ચૈવ કૌંડિન્ય ઓક્ષ્ણશ: શાર્કવોદ્વિષ:

બૈજવાપ: ષષ્ટમ: પ્રોક્તો કપિષ્ઠોતુરુકસ્તથા.

સંસ્કારકૌસ્તુભમાં કુલાષ્ટક આ છે – કશ્યપ, કૌંડિન્ય, ઔક્ષ્ણ, શાર્કવ, કૌશિક, બૈજવાપ:, કપિષ્ઠ અને ગૌતમ. એ રીતે જોતાં હું એ આઠમાંનો છઉં (વા: વારે મારું અભિમાન!)

૪.. વડનગર જ્યારે ભાંગ્યું ત્યારે નાગરો ન્હાસીને બીજે મુકામે જઈ વસ્યા, તેમાં મારા વડીલો સુરતમાં આવીને રહ્યા. વડનગર ત્રણ વાર ભાંગ્યું કેહેવાય છે. પ્રથમ સંવત ૬૪૫ના માઘ મહિનામાં મ્લેચ્છને ત્રાસે ભાંગ્યું ને કેટલાક નાગરો પાટણ જઈ રહ્યા. બીજી વાર સંવત ૧૨૭૨ના કારતેગ મહિનામાં ગોરીશાને (શાહાબુદ્દીન ગોરી હશે) ત્રાસે ભાંગ્યું તેમાં કેટલાક નાગરો જૂનાગઢ જઈ રહ્યા ને એમાંથી થોડાક ઈડર ને અમદાવાદ જઈ વસ્યા. (અમદાવાદ તો વસ્યું સંવત ૧૪૬૭-૬૮ પછી; હું ધારુંછ કે જેને હમણાં અમદાવાદ કહિએછ ત્યાંહાં નહીં પણ તે જગાની આસપાસની જગોમાં) ત્રીજી વાર ભાંગ્યું તે સંવત ૧૭૮૨માં દક્ષણને ત્રાસે ને એથી વડનગરમાં રહેલા તમામ નાગરો નિકળ્યા તે ઈડર, વાસવાળું, ડુંગર પોર, કાશી ને મથુરા જઈ વસ્યા. એ બાબત, કોઈ વલ્લભદાસનો કરેલો નરસંહી મેહતાના છોકરાનો વિવાહ એ નામનો એક જુનો ગ્રન્થ મને મળ્યો છે તેના ૬ઠ્ઠા કડવામાંથી મેં ઉતારી લીધી છે. પણ કેટલાકની ભલામણ ઉપરથી તે ૬ ઠ્ઠું કડવું જ અહીં દાખલ કરૂં છઊં.