પછી જ્યારે હું ન્યુકાસલ પહોચું ત્યારે હડતાલ પાડવી. પણ ઓરતોની હાજરી તો સુકાં લાકડાં ઉપર દિવાસળી રૂપ થઇ પડી. આ સેજ તળાઇ વિના નહિ સુનારી, ભાગ્યેજ મોં ખોલનારી ઓરતોએ ગીરમીટીયા પાસે જાહેરમાં ભાષણ કર્યાં, તેઓ જાગ્યા ને હું પહોંચું તે પહેલાં તો તેઓએ હડતાલ પાડવાનો આગ્રહ કર્યો. કામ ઘણું જોખમ ભરેલું હતું. મી. નાયડુનો તાર મને મળ્યો. મી. કેલનબેક ન્યુકાસલ ગયા ને હડતાલ શરૂ થઇ. હું ન્યુકાસલ પહોંચ્યો તે દરમિયાન બે કોલસાની ખાણોના હિંદીઓએ કામ બંધ કર્યું હતું.
મી. હોસ્કેનના પ્રમુખપણા નીચેની યૂરોપીઅન સહાયક કમીટીએ મને બોલાવ્યો. હું તેઓને મળ્યો. તેઓએ આપણી હિલચાલ પસંદ કરી ઉત્તેજન આપવાનો ઠરાવ પસાર કર્યો. એક દિવસ જોહાન્સબર્ગમાં રહી હું ન્યુકાસલ પહોંચ્યો ને ત્યાં રહ્યો. મેં જોયું કે લોકોનો ઉત્સાહ અત્યંત હતો. ઓરતોની હાજરીની બરદાસ સરકાર ન કરી શકી; ને છેવટે તેમને 'રખડુ'ના તહોમત નીચે જેલ આપી. મી. લેઝર્સનું ઘર હવે સત્યાગ્રહની ધર્મશાળા બન્યું. ત્યાં તો સેંકડો ગીરમીટીયાને સારૂ ખાણું પકાવવાનું કરવું પડ્યું તેથી મી. લેઝર્સ નાસીપાસ નહિ થએલા. ન્યુકાસલના હિંદીઓએ કમીટી નીમી. મી. સીદાત પ્રમુખ નીમાયા. કામ ધમધોકાર ચાલ્યું. બીજી ખાણોના હિંદીએ કામ બંધ કર્યું.
આમ ખાણોના હિંદી મજુરો કામ બંધ કરતા ચાલ્યા તેથી કોલસાની ખાણના ધણીઓના મંડળની મીટીંગ થઇ. મને ત્યાં બોલાવવામાં આવ્યો. વાતચીત ખુબ થઇ પણ નીવેડો ન આવ્યો.