પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧
ગાંધીજીનો જેલનો અનુભવ.

ટુકડીમાં લગભગ ૫૦૦ હતા તેમાં લગભગ ૬૦ સ્ત્રીઓ પોતાના બચ્ચાં સહિત હતી. આ ટુકડીનો દેખાવ હું કદી ભુલી શકું તેમ નથી. 'દ્વારકાંનાથીકી જે' 'રામચંદ્રકી જે' 'વંદે માતરમ્' આવા પોકારો કરતી ટુકડી ચાલતી. બે દિવસ ચાલે તેટલા પકાવેલા દાલ ચાવલ બંધાવ્યા હતા. સઉ પોતાના પોટલાં બાંધી ચાલી નીકળેલા. તેઓને નીચે પ્રમાણે શરતો સંભળાવવામાં આવી હતી.

૧ હું પકડાઇ જાઉં એવો સંભવ હતો. જો તેમ બને તો પણ ટુકડીએ કુચ જારી રાખવી. અને જ્યાં સુધી તેઓ પોતે ન પકડાય ત્યાં લગી તેઓએ ચાલ્યા કરવું. રસ્તામાં ખોરાક વિગેરેનો બંદોબસ્ત કરવા સર્વ પ્રયત્ન થશે, છતાં કદાચ કોઇ દિવસ ખાવાનું ન મળે તો પણ સંતોષ રાખવો.

૨ લડતમાં રહેતાં સુધી દારૂ વિગેરેનું વ્યસન છોડવું.

3 મરણ પર્યંત પાછા ન હઠવું.

૪ રસ્તામાં રાત પડે ત્યાં ઘરની આશા ન રાખવી, પણ ઘાસમાં પડી રહેવું.

૫ રસ્તામાં આવતાં ઝાડપાનને જરા પણ ઇજા ન કરવી. અને પારકી ચીજને બીલકુલ ન અડકવું.

૬ સરકારી પોલીસ પકડવા આવે તો પકડાઇ જવું.

૭ પોલીસની કે કોઇની સામે ન થવું પણ માર પડે તો તે સહન કરવો, ને સામે માર મારીને બચાવ ન કરવો.

૮ જેલમાં જે દુ:ખો પડે તો ઉઠાવવાં, ને જેલને મહેલ સમજી તેમાં દિવસ ગુજારવા.