પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

આ સંઘમાં બધા વર્ણ હતા. હિંદુ, મુસલમાન, બ્રાહ્મણ ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર હતા. કલકત્તીઆ હતા ને તામીલ હતા. કેટલાક પઠાણોને તેમજ ઉત્તર તરફના સીંધીને માર ખાઇ લેતાં પણ બચાવ ન કરવાની શરત આકરી લાગી હતી. પણ તેઓએ તે શરત ખુશીની સાથે સ્વીકારી; એટલુંજ નહીં પણ તેઓની કસોટીનો વખત આવતાં તેઓએ બચાવ પણ નહિ કરેલો.

આવી સ્થિતિમાં પહેલી ટુકડીની કુચ શરૂ થઇ. પહેલીજ રાતે વગડામાં ઘાસ પર સુવાનો અનુભવ થયો. રસ્તામાં લગભગ ૧૫૦ માણસોને વારંટો મળ્યાં. તેઓ ખુશીથી પકડાયા. પકડવાને એકજ પોલીસ અમલદાર આવ્યો હતો. તેની સાથે બીજી કંઇ મદદ ન હતી. પકડાયા તેમને કેમ લઇ જવા એ સવાલ થઇ પડ્યો. અમે ચાર્લ્સટાઉનથી માત્ર ૬ માઇલ દુર હતા. એટલે મેં અમલદારને કહ્યું, કે પકડાએલા માણસો ભલે મારી સાથે કુચ કરે ને તેઓનો કબજો તે ચાર્લ્સટાઉનમાં લે, અથવા તેના ઉપરીને પુછીને જેમ તેને હુકમ મળે તે પ્રમાણે કરે. અમલદાર આ સુચના કબુલ રાખીને ચાલી ગયો. અમે ચાર્લ્સટાઉન પહોંચ્યા. ચાર્લ્સટાઉન બહુ નાનું ગામડું છે. તેમાં વસ્તી ભાગ્યે ૧,૦૦૦ માણસની હશે. તેમાં એકજ શરીઆમ રસ્તો છે. હિંદી વસ્તી જુજ છે. એટલે અમારો સંઘ જોઇને ગોરાઓ આશ્ચર્ય પામ્યા. ચાર્લ્સટાઉનમાં આટલા હિંદી કોઇ વેળા દાખલ થયા ન હતા. પકડાએલાને ન્યુકાસલ લઇ જવાને સારૂ રેલ ગાડી તૈયાર ન હતી. તેમને પોલીસ ક્યાં રાખે ? ચાર્લ્સટાઉનના થાણામાં એટલા કેદીની રાખવાની જગો ન હતી. તેથી પોલીસે પકડાએલાઓને મને સોંપ્યા, ને તેઓના ખોરાકનું બીલ