પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
ગાંધીજીનો જેલનો અનુભવ.

મળ્યો. તેઓનો ઉત્સાહ બમણો વધ્યો. દરમીયાન પ્રિટોરીઆથી તાર આવી ગયો કે મારી સાથેના હિંદીઓને પકડવાનો સરકારનો ઇરાદો નથી. આગેવાનોજ પકડવામાં આવશે. આનો એમ અર્થ એમ નહોતો થતો કે બીજા બધાને છુટ આપવામાં આવશે પણ બધાને પકડી આપણા કામને સહેલું કરવા અથવા તો હિંદમાં ખળભળાટ કરવા સરકાર ઇચ્છતી ન હતી.

પાછળ બીજી એક મોટી ટુકડી લઇ મી. કેલનબેક આવતા હતા. અમારી બે હજાર ઉપરની ટુકડી સ્ટાંડર્ટન આગળ પહોંચી. ત્યાં ફરીને મને પકડવામાં આવ્યો. અને કેસની તા. ૨૧મીની મુદત પડી. અમે તો આગળ ચાલ્યા. પણ હવે સરકારથી આ બધું જીરવાય તેમ ન હતું એટલે તેણે પ્રથમ મને આ બધાથી એકદમ વિખુટો પાડવાનું પગલું લીધું. આ સમયે મિ. પોલાકને હિંદુસ્તાનમાં ડેપ્યુટેશન લઇ મોકલવાની તૈયારી થઇ રહી હતી. તે માટે ઉપડતા પહેલાં તે મને મળવા આવ્યા. પણ 'આદર્યાં અધવચ રહે અને હરિ કરે સો હોય' એમ બન્યું. મને રવિવારે ફરી ત્રીજી વખત ગ્રેલીંગસ્ટાડ આગળ પકડ્યો. આ વખતનું વોરંટ ડંડીથી નીકળેલું હતું, અને તહોમત ગીરમીટીયાઓને કામ છોડાવ્યાનું હતું. અહીંથી મને ઘણીજ ચુપકીથી ડંડી લઇ ગયા. ઉપર જણાવી ગયો છું કે મિ. પોલાક અમારી સાથે કુચમાં હતા. તેણે આ કામ સંભાળી લીધું. ડંડીમાં મંગળવારે કેસ ચાલ્યો. મારા ઉપરના ત્રણે આરોપ મને વાંચી સંભળાવવામાં આવ્યાં. તે મેં કબુલ રાખ્યા અને રજા મેળવી જણાવ્યું કે " મારા પોતાના તરફ અને બધી પ્રજા તરફ ન્યાયની