પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

અને અમને બધાને બે મહિનાની વગર મજૂરીની કેદ મળી. મારા સાથી મિ. પિ. કે. નાયડુ, મિ. સિ. એમ. પિલે, મિ. કડવા, મિ. ઇસ્ટન તથા મિ. ફોરટૂન હતા. છેલ્લા બે ગુહસ્થો ચીના છે. મને સજા થયા પછી બે ચાર મિનિટ કોરટ પાછળ કેદખાનામાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મને ચૂપકીથી એક ગાડીમાં લઇ ગયા, તે વખતે મનમાં ઘણાં તરંગો આવ્યા કે મને નોખે જગ્યા આપી રાજ્દ્વારી કેદી તરીકે ગણશે? કે બીજાઓથી મને નોખો પાડશે? અથવા તો મને જોહાન્સબર્ગ છોડી બીજી જગ્યાએ લઇ જશે ? આવા વિચારો આવ્યા કરતા હતા. મારી સાથે ડીટેક્ટિવ હતો તે માફી માંગતો હતો. મેં તેને જણાવ્યું, કે તારે માફી માંગવાની જરૂર નથી. કેમકે મને કેદમાં લઈ જવો એ તારી ફરજ છે.


કેદખાનું.


મારા તરંગો બધા નકામા હતા એમ તુરત માલમ પડ્યું. જ્યાં બીજા કેદીઓને લઇ જાય છે ત્યાં મને પણ લઈ ગયા. થોડી મુદ્દતમાં બીજા સાથીઓ પણ આવ્યા. અમે સૌ મળ્યા. પ્રથમ તો અમારું વજન કર્યું, પછી બધાં આંગળાં પડાવ્યા. ત્યારબાદ અમને નાગા કર્યા, ત્યાર પછી અમને જેલનો પોશાક આપવામાં આવ્યો. પોશાકમાં કાળું પાટલૂન, ખમીસ, ખમીસની ઉપરનું પહેરણ (જેને અંગ્રેજીમાં જંપર કહે છે) ટોપી તથા મોજાં અમને આપ્યાં. અમારાં જૂનાં કપડાં ને સારૂં, દરેકને નોખી થેલી આપવામાં આવી. તેમાં તે પેક કર્યા. પછી અમને પોતાની કોટડીમાં લઈ જતાં પહેલાં દરેકને આઠ ઔંસ રોટીનો ટુકડો આપવામાં આવ્યો, પછી કાફરી કેદખાને લઇ ગયા.