પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંધીજીનો જેલનો અનુભવ.


કાફરા ને હિન્દી એક !

ત્યાં અમારાં કપડાં ઉપર "N" એવી છાપ મારી એટલે કે અમે બરાબર નેટીવની પંક્તિમાં મૂકાયા. ઘણી અગવડો ઉઠાવવા અમે સૌ તૈયાર હતા, પણ અમારી આ વલે થશે એમ માન્યું નહોતું. ગોરાઓની સાથે આપણને ન મૂકે એ સમજી શકાય એવું છે. પણ આપણને છેક કાફરાઓની સાથે રાખે એ સહન ન થઈ શકે એવું જણાયું. આવી દશા જોઈ વિચાર કર્યો કે સત્યાગ્રહની લડત જરાએ વધારે પડતી કે વખત વિચાર્યા વિનાની નથી. હિન્દીને તદ્દન નમાલા કરી મૂકવાનો ખૂની કાયદો હતો એમ વધારે સાબિત થયું.

તો પણ અમને કાફરોની સાથે રાખ્યા એ ઘણે ભાગે સંતોષ પામવા જેવું થયું. તેઓની હાલત, તેઓની તરફની વર્તણૂક અને તેઓના ખવાસ જાણવાની આ ભલી તક મળી. બીજે રીતે જોતાં તેઓની સાથે મૂકાવામાં હલકાઇ ગણવી એ મનને ઠીક ન લાગ્યું. છતાં સાધારણ રીતે જોતાં હિન્દીને અલગ રાખવા જોઇએ એમાં પણ શક નથી. અમારી કોટડીની પડખેજ કાફરાઓની કોટડી હતી, તેમાં અને બહારના મેદાનમાં તેઓ કકળાટ કરી મૂકતા હતા. અમે વગર મજૂરીના કેદી હતા તેથી અમારી કોટડી નોખી હતી. મજૂરીવાળા હિન્દી કાફરોની સાથેજ પૂરવામાં આવે છે.

આ વાત હલકાઈ ભરેલી છે કે નહિ તે વિચાર અલગ રાખતાં એ બહુ જોખમ ભરેલી છે એટલું કહેવું તે બસ છે. કાફરો ઘણે ભાગે જંગલી હોય છે. તેમાં વળી કેદમાં આવેલા કાફરોનું તો પૂછવું જ શું? તેઓ તોફાની, બહુ ગંદા, અને લગભગ જાનવરની સ્થિતિમાં