પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંધીજીનો જેલનો અનુભવ.

કરવાનો દાંતીઓ વિગેરે સાધન હોતાં નથી. વાળ જો સાફ ન રખાય તો ગુમડાં વિગેરે થવાનો સંભવ છે. વળી ગરમી હોય તો વાળ અસહ્ય થઈ પડે છે. કેદીઓને અરીસો વાપરવા મળતો નથી, તેથી મૂછ ગંદી રહેવાનો સંભવ છે. ખાતી વખતે રૂમાલ તો હોય નહિ. લાકડાનો ચમચો ખાવામાં અગવડ ઉપજાવે છે. લાંબી મૂછ હોય તો ખોરાક મૂછને વળગે છે. વળી કેદીઓનો બધો અનુભવ લેવાનો મારો વિચાર હતો, તેથી મુખી દારોગા પાસે મારા વાળ તથા મૂછ કાપવાની મેં માંગણી કીધી. તેણે કહ્યું : "ગવર્નરની સખત મનાઈ છે" મેં કહ્યું, "હું જાણું છું, કે ગવર્નર મને ફરજ પાડવા નથી માંગતા, પણ હું મારા વાળ અને મૂછ મરજીયાત કપાવવા ઇચ્છું છું." તેણે ગવર્નરની પાસે અરજી કરવા સૂચના કીધી. બીજે દહાડે ગવર્નરની પરવાનગી મળી. પણ તેણે કહ્યું, હવે તો બે મહિનામાંથી બે દિવસ તમારા ગયા એટલે તમારા વાળ ને મૂછ કાપવાનો મને હક નથી. મેં કહ્યું, તે વાત હું જાણું છું, પણ મારી સુખાકારી ખાતર અને મારી મરજીથી હું કાપવા માંગુ છું, છતાં તેણે હસીને આનાકાની કરી. પાછળથી માલુમ પડ્યું, કે ગવર્નરે કંઇક શક અને ભય હતા. મારી આ માંગણીમાં કંઈ ભેદ તો ના હોય? પાછળથી ગવર્નરની ઉપર ઢોળીને જેલની બહાર નીકળી પરાણે વાળ મૂછ કપાવાનું તોફાન તો ન કરૂં? એમ તેને લાગ્યું. મેં તો મારી માંગણી હમ્મેશાં ચાલૂ રાખી, મરજીથી કાપવા માંગુ છું એવું લખિતવાર આપવાનું પણ કહ્યું, ગવર્નરનો શક દૂર થયો, અને છેવટે મને ઘોડાકાતર આપવાનો હુકમ મુખી દારોગાને કર્યો. મારી સાથેના કેદી મિ. પી.