પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

બતાવવા ઘણી વખત અમારી પાસે આવી વાતચિત પણ કરતો.

કેદીઓમાં વધારો.

હું કહી ગયો છું કે પહેલા સત્યાગ્રહી કેદી અમે માત્ર પાંચ હતા. તા ૧૪ મી જાનેવારી ને મંગળવારે મી૦ થમ્બી નાયડુ, જે ચિફ પિકેટ હતા તે અને ચાઇનિઝ એસોસિએશનના પ્રનુખ મિ૦ ક્વીન આવ્યા. તેમને જોઇ બધા બહુ રાજી થયા. તા૦ ૧૮મી જાનેવારીએ ૧૮ માણસ બીજા આવ્યા. તેમાં સમુદરખાન હતા. તેની બે માસની જેલ હતી. બાકીના ૧૩માં મદ્રાસી કાનમીઆ તથા ગુજરાતી હિન્દુઓ હતા. તેઓ બધા વગર લાઇસેન્સથી ફેરીનો ધંધો કરવાને સારુ પકડાયા હતા, અને તેઓનો બે પાઉંડ દંડ થયો હતો. જો બે પાઉંડ ન આપે તો ૧૪ દિવસની જેલ હતી. તેઓ હિમ્મત પૂર્વક દંડ ન આપતાં જેલમાં આવ્યા હતા. તા૦ ૨૧ મે જાનેવારીને મંગળવારે ૭૬ માણસ બીજા અવ્યા. તેમાં બે મહિનાની જેલવાળા નવાબખાન હતા. બાકી બધા '૨ પાઉંડ અથવા ચૌદ દિવસની જેલ'વાળા હતા. આમાંના ઘણા ખરા ગુજરાતી હિન્દુ હતા. કોઇ કાનમીઆ અને કોઇ મદ્રાસી હતા. તા૦ ૨૨ મી જાનેવારી ને બુધવારે ૩૫ માણસો બીજા આવ્યા. તા૦ ૨૩મી એ ૨, ૨૮ મીએ ૬ અને તેજ દિવસે સાંજના બીજા ૪ આવ્યા. એટલે ૨૯ મી જાનેવારી સુધીમાં બધા મળી ૧૫૫ સત્યાગ્રહી કેદી થયા. ગુરૂવારે એટલે ૩૦મી એ મને પ્રિટોરિયા લ‌ઇ ગયા હતા. પણ મને માલમ છે કે તે દહાડે પણ ૫ અથવા ૬ બીજા કેદી ગયા હતા.