પણ પરવાનગી મેળવી. પહેલે દહાડે મિ. કડવા રસોઈ કરવા જતા. ત્યાર બાદ મિ. થંબી નાયડુ તથા મિ. જીવણ બે રસોઈ કરવા જતા. તેઓએ છેલ્લા દહાડાઓમાં રોજ દોઢસો માણસ જેટલાની રસોઈ કરેલી. રસોઈ કરવા એક વખત જવું પડતું. અઠવાડીઆમાં બે વખત લીલોતરીની વારી આવતી. ત્યારે રોજ બે વખત જવું પડતું. મિ. થમ્બી નાયડુની મહેનત ઘણી સરસ હતી. બધાઓને વહેંચી આપવાનું કામ મારા હાથમાં હતું.
ઉપરની અરજીમાં વાંચનાર જોઈ શકશે કે ઢબ એવી આપી છે કે ખાસ અમારે જ જૂદો ખોરાક જોઈએ છીએ એમ નથી. પણ હિન્દી માત્રને સારૂ ફેરફાર થવો જોઈએ. ગવર્નરની સાથે વાત પણ એવાજ પ્રકારની થતી હતી. અને ગવર્નરે કબૂલ કરેલું. હજુ ઉમેદ રાખી શકાય છે કે જેલમાં હિન્દી કેદીના ખોરાકનો સુધારો થઈ શકશે.
વળી ચીનાઓ ત્રણને જ અમારાથી જુદો ખોરાક ચાવલને બદલે મળતો તેથી કચવાટ રહેતો. ચીનાઓને અમારાથી નોખા તથા હલકા ગણ્યા એમ આભાસ આવતો, તેથી તેઓની વતી મેં ગવર્નરને તથા મિ. પ્લેફર્ડને અરજી કરેલી અને છેવટે હુકમ મળ્યો કે ચીનાઓને હિન્દી જેવો જ ખોરાક આપવો.
ખોરાક વિષે વિચાર કરતાં યૂરોપિયનોને શું મળે છે તેની સરખામણી કરવા જેવું છે. તેઓને સવારે નાસ્તામાં પૂપૂ તથા રોટી આઠ ઔંસ મળે છે. ખાણામાં પણ હમ્મેશા રોટીને સૂપ, અથવ રોટીને ગોસ્ત તથા પટેટા અથવા લીલોતરી. તથા સાંજે