પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯
ગાંધીજીનો જેલનો અનુભવ.

હમ્મેશા રોટી તથા પૂપૂ. એટલે યૂરોપિયનને રોટી ત્રણ વખત મળે તેથી પૂપૂ હોય યા ના હોય તેની દરકાર ન રહી. વળી ગોસ્ત અથવા સૂપ હમેંશા મળે એટલે તે પણ તેને વધારામાં થયું. આ સિવાય ઘણી વેળા તેઓને ચા અથવા કોકો પણ મળે છે. આ જોતાં કાફરાઓને પોતાને રૂચતો, અને યુરોપિયનોને તેઓને રૂચતો ખોરાક મળ્યો. હિન્દી બાપડા અધર લટક્યા. તેઓને પોતાનો ખોરાક નહિ. યૂરોપિયનનો ખોરાક અપાય તો ગોરાઓ લજવાય. હિન્દીનો પોતાનો ખોરાક શું છે તેનો વિચાર શા સારૂં કરે ? એટલે તેઓને કાફરાઓની હારમાં મૂકામ રીબાવુંજ રહ્યું.

આનું અંધેર આજલગી નભી રહ્યું છે, તેમાં આપણા સત્યાગ્રહની હું ખામી ગણું છું. એક રકમના હિન્દી કેદી ચોરીથી બીજો જોઈતો ખોરાક મંગાવીને ખાય, એટલે તેને ખોરાક બાબત ઇજા ભોગવવી પડે નહિ. બીજી રકમના હિન્દી કેદી- તે જે ખોરાક મળે તે ખાઈ શક, અને પોતાની ઉપર પડેલા દુઃખની કહાણી કહેતા શરમાય, અથવા તો બીજાને સારૂં કંઈ ચિંતા રાખે. તેથી બહારના અંધારામાં રહે. જો આપણે સત્યને વળગી રહીએ અને જ્યાં અન્યાય થાય ત્યાં ઉકળી રહીએએ તો આવી ઇજા ઉપાડવી પડે જ નહિ. આમ સ્વાર્થ છોડી પરમાર્થ ઉપર નજર રહે તો દરદના ઇલાજો તુરત મળી રહે છે.

પણ જેમ આવી જાતની ઇજાના ઇલાજ કરવાની જરૂર છે, તેમ બીજો વિચાર કરવાનીએ જરૂર છે. કેદી હોઇને કેટલાં સંકટ સહન કરવા ઘટે છે. જો કંઈ ઈજા ન હોય, તો કેદી શાના?