પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

જેઓ પોતાના મનને મારી શકે છે તેઓ ઇજામાંજ સુખ માની જેલમાં લહેર કરી શકે છે. છતાં ઇજા છે તે વાત તેઓ ભૂલતાં નથી. તેઓએ બીજાને ખાતા ભૂલવું પણ ન જોઇએ. વળી આપણે આપણા બધા રિવાજો એવી હઠથી પકડી રાખીએ છીએ કે તેમાં કંઈ ફેરફાર થવાની જરૂર છે. "દેશ તેવો વેશ" એ કહેવત જગજાહેર છે. આપણે દક્ષિણ આફ્રિકામાં રહી અહિંનો સારો ખોરાક હોય તેની ટેવ પાડવી જોઈએ, પૂપૂ એ ઘઉંની જેમ સારો સાદો અને સોંઘો ખોરાક છે. તેમાં સ્વાદ નથી એમ પણ નહિ કહેવાય. કેટલીક વેળા ઘઉંથી પૂપૂ ચઢી જાય છે. વળી મારા વિચાર પ્રમાણે તો જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશના માનને ખાતર તેની જમીનમાં પેદા થતો હોય તે ખોરાક, જો ખરાબ ન હોય તો, લેવો ઘટે છે. ઘણા ગોરાઓ પોતાને પસંદ છે તેથી પૂપૂ હમેંશા સવારે ખાય છે. તેની સાથે દૂધ અથવા શકર અથવા ઘી લેવાથી સ્વાદિષ્ટ બને છે. એટલે આવાં કારણોને લઈને, તેમ જ આપણે હજુ ફરી જેલમાં ઘણી વખત જવું પડશે, તેથી પણ પૂપૂ ખાવાની આદત દરેક હિન્દીઓએ પાડવાની જરૂર છે; એમ આપણે કરશું તો જ્યારે પૂપૂ માત્ર નિમક સાથે ખાવાનો વખત આવશે ત્યારે બહુ કફોડું નહીં જણાય. આપણી કેટલીક આદતો દેશના ભલાને સારૂ આપણે છોડ્યા વિના છૂટકો જ નથી. જેજે પ્રજાઓ આગળ વધી છે તે તે પ્રજાએ જેમાં મુદ્દાની વાત નથી તેમાં જતું કર્યું છે. મુક્તિ ફોજવાળા તો જે દેશમાં જાય તે દેશના ખરાબ ન હોય તેવા રિવાજો, પોશાક વિગેરે ધારણ કરી લોકોના મન હરી લે છે.