પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

વધે અથવા જાય. જેનું માન નથી તેનો ધર્મ નથી એવું આપણે અરબી જ્ઞાનના પુસ્તકમાં વાંચી ગયા. પ્રજાઓ મોટી થઈ છે તે ધીમે ધીમે પોતાનું માન જાળવીને થ‌ઇ છે. માન એટલે ઉછાંછળાપણું નહિ, પણ ડરથી કે આળસથી જે આપણને ઘટે છે તે જવા નહિ દેવું એવી મનની સ્થિતિ, અને તે પ્રમાણેનું આચરણ એ ખરૂં માન છે. આવું માન તેજ માણસ જોઈ શકે છે, કે જેનો ખરો વિશ્વાસ-આધાર ખુદા-ઇશ્વર ઉપર છે. મારો ચોકસ અભિપ્રાય છે કે હરકોઈ કાર્યમાં ખરૂં જાણવું ને ખરૂં કરવું એવો ગુણ જે માણસને ખરી શ્રદ્ધા નથી તેને હોઈ શકતો નથી.

અનુભવ બીજો.

પ્રસ્તાવ.


મને ઇ○ સ○ ૧૯૦૮ના જાનેવરીમાં જેલનો અનુભવ થયો તેના કરતાં આ વખતનો અનુભવ વધારે સરસ થયેલો સમજું છું. તેમાંથી મને તો ઘણું જ શીખવાનું મળ્યું છે, અને હું માનું છું કે બીજા હિંદીઓને તે લાભ કર્ત્તા થઇ પડશે.

સત્યાગ્રહની લડત ઘણી રીતે લડી શકાય છે, પણ રાજ્ય પ્રકરણી દુઃખોને ટાળવાનો મોટો ઉપાય જેલ વાટે જોવામાં આવે છે. આપણે વખતો વખત જેલ જવું પડશે એમ હું માનું છું. અને તે કાંઇ હાલની લડતને જ વાસ્તે નહિ, પણ બીજી જે ઈજાઓ પડશે તેને સારૂ પણ તેજ ઈલાજ છે. તેથી જેલને વિષે જેટલું જાણવા જેવું હોય તે જાણી લેવું એ હિંદીની ફરજ છે.

કેદ.

જ્યારે મિ.સોરાબજી જેલમાં ગયા ત્યારે મેં ઈચ્છેલું કે હું તેમની પાછળ પહોંચું તો ઠીક, અથવા તો તેમના છુટવા પહેલાં