પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯
ગાંધીજીનો જેલનો અનુભવ.

માનું છું કે આમ નીચ ઉંચના ડોળથી ને પછી નાતના જુલમના ડરથી આપણે સત્યને છોડી અસત્ય આદરી બેઠા છીએ. જો આપણે જાણીએ કે ધેડાને તિરસ્કાર કરવો એ અઠીક છે, તો પછી નાતથી કે બીજાથી ખોટી રીતે ડરી, ખરૂં છોડી આપણે સત્યાગ્રહી કેમ કહેવાઇએ ? આ લડતમાં ભાગ લેનારા હિંદી નાતની સામે, કુટુંબની સામે અને જ્યાં અધર્મ જુએ ત્યાં તેની સામે સત્યાગ્રહી થઇ બેસે એમ હું ઇચ્છું છું. તેમ નથી કરતા તેથીજ લડતમાં ઢીલ થાય છે, એવો મારો તો નિશ્ચય છે. આપણે બધા હિંદી છીએ, તો પછી ખોટા ભેદ રાખી વઢી મરીશું ને હક માગશું એ કેમ થશે ? એવી ધાસ્તીથી આપણે જે ખરૂં છે તે નહિ કરીએ તો પછી આપણી લડતમાં કેમ જીતીશું ? ડરીને અમુક કામ તજવું એ તો કાયરનું કામ ગણાય. અને કાયર હિંદી સરકારની સામે જે મહાયુધ્ધ ચાલી રહ્યું છે તેમાં છેવટ સુધી ઝૂંઝવાના નથી.

જેલમાં કોણ જઇ શકે?

ઉપરની હકીકતો ઉપરથી આપણે જોયું કે વ્યસની, નાત જાતના ખોટા ભેદ રાખનાર, તકરારી, હિન્દુ મુસલમાન વચ્ચે તફાવત રાખનાર, ને રોગી, આવા માણસ જેલમાં જઇ, અથવા લાંબી મુદત રહી ન શકે. તેથી આપણે જોઇ શકીએ છીએ કે દેશહિતને ખાતર માન સમજી જેલમાં જનારા શરીરમાં મનમાં તથા આત્મામાં તંદુરસ્ત હોવા જોઇએ. રોગી માણસ છેવટે થાકે. હિન્દુ મુસલમાન, હું ઊંચ, બીજો નીચ એમ જાણનાર, વ્યસનને વશ, ચાહ, બીડી કે બીજી વસ્તુની પાછળ ઘેલો થનાર છેવટ સુધી ન લડે.