કામની બદલી.
છાતી બગડવાનું બીજું કારણ હતું. હું ઉપર લખી ગયો કે મને ભોંય તથા દરવાજા સાફ કરવાનું કામ સોંપ્યું હતું. આ કામ દશેક દહાડા કરાવ્યા બાદ બે તૂટેલી કામળીને સીવીને એક કરવાનું કામ મળ્યું. આ કામ ઝીણું હતું. આખો દહાડો વાંસો નમાવીને ભોંય ઉપર કામ કરવું રહ્યું, તે પણ કોટડીમાં બેસીને. આથી સાંજ પડ્યો મારી કેડ દુ:ખવા આવતી ને મારી આંખને પણ કંઇક ઇજા થવા લાગી. કોટડીની હવા ખરાબ એમ તો મેં હમ્મેશાં માનેલું. વડા દારોગા આગળે એક બે વખત માંગણી કરી કે મને બહાર ખોદવા વિગેરેનું કામ સોંપે. તેમ નહિ તો મને ખુલ્લી હવામાં કામળી ગૂંથવાનું આપે. તેણે બંનેની ના પાડી. આ બાબત પણ મેં ડિરેક્ટરને જણાવી. છેવટે ડાક્ટરનો હુકમ થયો અને મને ખુલ્લી હવામાં કામળી ગૂંથવાનું થયું. જો ખુલ્લી હવામાં કામ કરવાની પરવાનગી ન મળત તો હું માનું છું કે મારી તબીયત વધારે બગડત. આ હુકમ મળતાં બીજી કંઇક અડચણો પડેલી પણ તેનું બ્યાન કરવાની જરૂર નથી. એટલે એમ થયું, કે મારો ખોરાક બદલ્યો તેની સાથેજ ખુલ્લી હવામાં કામ કરવાનું મળ્યું. તેથી બેવડો લાભ થયો. જ્યારે કામળી ગૂંથવાનો હુકમ થયો ત્યારે એમ મનાતું કે એકને ગૂંથતા એક અઠવાડીયું જશે એટલે તેમાંજ મારી મુદત પૂરા થશે. પણ તેમ થવાને બદલે હું તો પહેલી કામળી ગૂંથ્યા બાદ એક જોડી બે દહાડે ગૂંથી રહેવા લાગ્યો. તેથી કામ બીજું શોધ્યું. એટલે કે ગંજીફરાકને ઊન ભરવાનું, ટિકીટ પાકીટ સીવવાનું વિગેરે.