નાની મોટી બધી બાબતોમાં સત્યાગ્રહ લાગુ પડી શકે છે. છોટા દરોગાઓએ આપેલી શરીરની અડચણો મેં કબુલ રાખી તેનો અંત એ આવ્યો કે મારૂં મન શાંત રહ્યું. એટલુંજ નહિ, પણ તેજ અડચણો તે લોકોએ દૂર કરી. જો હું સામે થાત તો મારૂં મનોબળ વેરાઈ જાત ને મારે જે મોટાં કામો કરવાનાં હતાં તે ન થઈ શકત તથા તે દરોગા મારા શત્રુ જેવા થઈને રહેત.
ખોરાકની બાબતમાં ટેક રાખવાથી ને શરૂઆતમાં દુઃખ સહન કરવાથી તે અડચણ પણ દૂર થઈ. તેમજ ઝીણી બાબતોમાં સમજી શકાય તેવું છે.
પણ મોટામાં મોટો લાભ તો એ થયો કે શરીરનું દુઃખ સહન કરવાથી મારા મનનું બળ ઘણુંજ વધેલું હું ચોકખી રીતે જોઈ શકું છું. હું માનું છું કે ગયા ત્રણ માસનો લાભ મને ઘણોજ મળ્યો છે ને આજે હું વધારે દુઃખો સહેલથી ઉઠાવવા તૈયાર થઈ રહ્યો છું. એમ જોઉં છું કે સત્યાગ્રહને હંમેશાં ઈશ્વરની સહાય છે. અને સત્યાગ્રહીની કસોટી કરતાં પણ તે જગતનો કર્તા સહન થઈ શકે તેટલોજ બોજો મૂકતો જાય છે.
વાંચન.
મારા દુઃખની અથવા તો સુખની અથવા બન્ને કહાણી તો હવે પૂરી થઈ ગણાય. પણ ત્રણ માસમાં મને ઘણા લાભો મળ્યા તેમાં મોટા લાભોમાંનો એક લાભ, વાંચવાની તક મળી તે પણ ખરો; મારે કબૂલ કરવું જોઈએ, કે પ્રથમ ભાગમાં હું કંઈક વિચારમાં ઉતરી જતો, દુઃખથી કંટાળતો. વળી મન વાળું ને વળી વાંદરાની