લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

માફક મન તરફડીઆ મારે. આવે સમયે ઘણીવાર માણસો ઘેલા જેવા થઈ જાય છે. મારા પુસ્તકોએ મારો બચાવ ભારે કર્યો. હિંદી ભાઈઓના સમાગમની ખોટ બહુ ભાગે પુસ્તકોએ પૂરી પાડી. મને હંમેશા લગભગ ત્રણ કલાક વાંચવાના મળતા. સવારનો એક કલાક મળતો ત્યારે હું ખાતો નહિ એટલે તે બચે. સાંજના તો વળી થાક્યો ન હોઉં ત્યારે બત્તી થયા પછી પણ વાંચતો. શનિવારે તથા રવિવારે તો પુષ્કળ વખત રહે. આ દરમ્યાન લગભગ ત્રીસ ઉપરાંત પુસ્તકો વાંચ્યાં ને કેટલાંક વિચાર્યાં. તેમાં અંગ્રેજી પુસ્તકો, હિંદી, ગૂજરાતી, સંસ્કૃત અને તામીલ એમ હતાં. અંગ્રેજી પુસ્તકોમાં જાણવા જેવાં ટોલ્સટોયનાં, એમર્સનના તથા કાર્લાઈલના ગણું છું. પહેલાં બે ધર્મ સંબંધી હતાં. આની સાથે બાઈબલ પણ મેં જેલમાંથીજ લીધું હતું. ટોલ્સટોયનાં લખાણ ગમે તે ધર્મ માનનારો માણસ વાંચીને લાભ લઈ શકે એવાં સરસ અને સરળ છે. વળી તે માણસ જેમ કહે તેમ કરનાર છે, એટલે તેના લખાણ ઉપર સાધારણ રીતે વધારે ભરોસો રહી શકે છે.

ફ્રેંચ વિપ્લવ.

કાર્લાઇલનું ફ્રેંચ બળવા ઉપરનું લખાણ છે. તે અસરકારક છે તે ઉપરથી મને થઈ આવ્યું કે હિંદુસ્તાનની દૂરદશા મટાડવાનો ઉપાય આપણને ગોરી પ્રજા તરફથી મળવાનો નથી. મારી માન્યતા છે કે ફ્રેંચ પ્રજાએ બળવાથી ખાસ લાભ મેળવ્યો નથી. આમ માઝીનીનો પણ વિચાર હતો. આમાં ઘણા મતભેદ છે. તેનો વિચાર આ જગ્યાએ થાય તેમ નથી. તે ઈતિહાસમાં પણ કેટલાક સત્યાગ્રહીના દાખલા જોવામાં આવ્યા.