પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે પૂર્વે 'બાલમિત્ર' નામના બાળકોના માસિકમાં અંગ્રેજી બે પુસ્તકો 'સ્ટોરીઝ ફ્રૉમ પ્લાન્ટ લાઇફ' અને 'સ્ટોરીઝ ફ્રૉમ ઍનિમલ લાઇફ'માંના સીધા કથેલા વિષયો પરથી વાર્તાઓરૂપે મેં ભમરી, ઇયેળ, ગોકળગાય, પતંગિયું, વરસાદનાં ટીપાં વ. આલેખેલાં.

એટલે કક્કા ઘૂંટ્યા આ પ્રાણીશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્રને લગતી વાર્તાઓ દ્વારા, બારાખડી શીખ્યો બાળકોની વાર્તાઓ દ્વારા, અને કંઇક આગળ ચાલ્યો કવિવર ટાગોરની 'કથા ઓ કાહિની' નામની પદબંધી કથાઓ પરથી 'કુરબાનીની કથાઓ'નું આલેખન કરતો કરતો.

બીજો તબક્કોઃ તે પછી તુરતમાં જ, એટલે કે 1922-23માં, સૌરાષ્ટ્રી મધ્યયુગના પ્રેમશૌર્યના કિસ્સાઓ વાર્તાકારોને કંઠેથી સાંભળી સાંભળીને 'સૌરાષ્ટ્રની રસધાર' માંહેની કથાઓ આલેખવા બેઠો. આ પાંચેય ભાગની સો જેટલી કથાઓની માંડણી સાંભળેલ કિસ્સાઓ પર થઇ છે, પણ વાર્તાશિલ્પ મોટે ભાગે મારું છે.

તે પછી 'સોરઠી બહારવટિયા'ના ત્રણ ખંડોમાં પણ પ્રાપ્ત કિસ્સાઓની રજૂઆતમાં વાર્તા-રંગો પૂરવાનો અને સંકલન આણવાનો મહાવરો પડતો ગયો. 'કંકાવટી'ની વ્રતકથાઓએ પણ લોકવાણીનાં વાર્તાબળો શીખવામાં સહાય કરી.

રૂપેરી પરદા પર જે ચિત્રપટો જોયાં તેને વાર્તારૂપે ઉતારીને આ કલામાં વધુ રસ લેવાના 'પ્રતિમાઓ' અને 'પલકારા' નામના બે સંગ્રહો દ્વારા કર્યા. આ વાર્તાઓ વિદેશની હતી; પુરાંત, તેની રૂપેરી પરદા પરની રજૂઆત ગ્રંથસ્થ વાર્તાથી અનોખા પ્રકારની, અનેરા કલાવિધાનોથી ઓપતી હતી. તેનું શબ્દલેખન તદ્દન જૂદી કલાને માગી લેતું હતું.

'વેરાનમાં' નામના મારા 1933માં પ્રસિધ્ધ થયેલાં પુસ્તકમાં જેને આપણે નાની લઘુ કથાઓ કે ટુચકા કહી શકીએ તેવા નજરે નિહાળેલા કેટલાક પ્રસંગો આલેખ્યા છે.

મુંબઇ યુનિવર્સિટીના ઉપલા વર્ગોના ગુજરાતી અભ્યાસક્રમમાં લઘુકથાઓનું સ્વરૂપ શીખવા માટે મારી નવલિકાઓની જે ભલામણ થઇ છે, તેને લક્ષમાં રાખીને જ આટલો ઇતિહાસ આપેલ છે. બાકીના વાચક