પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજીખુશીથી જગ્યા ખુલ્લી ન કરી આપનારા શેઠિયાઓની આભે અડકતી અટારીઓ તોપખાના વિના ખસે તેમ નહોતું.

પણ આજે અનંત એક બીજા, વધુ ભયાનક બદબો મારી રહેલ, ઉકરડાને ચોખ્ખો કરવા આવ્યો હતો. જગડૂ શેરીની ખીચોખીચ ઉંચી ઇમારતોના ભીતરમાં વધુ ભીડાભીડ કરતી ઊભેલી બીજી અદ્રશ્ય હવેલીઓ હતી એના ઉપર પણ અનંતે આજ લગી ફૂલ-રોપા જ ઢાંકેલા; એ બધા એળે ગયેલા. આજ એ અદ્રશ્ય ઇમારતોને તોપે ઉરાડવા જ અનંત આવ્યો હતો. પોતાના બાપની જ કુલીનતાની હવેલી એને પહેલાં-પ્રથમ ભાંગવી હતી.

અનંત ઘરમાં ગયો. બા પથારીવશ હતાં, તેને પગે લાગ્યો; જુવાન વિધવા વહુ બાને બદલે દેવની પૂજા કરતી ટોકરી બજાવતી હ્તી, તેના સમાચાર પૂછ્યા. અનંતભાઈનો સ્નેહાર્દ્ર અવાજ સાંભળીને રસોડાના અંધારામાં બેઠેલી એ વિધવા વહુએ ઘીની દીવાની વાટ સંકોરી દીવો સતેજ કર્યો. દીવાના તેજમાં, પૂજા માટે પહેરેલી આછી કામળી સોંસરવું, એનું તાજું મૂંડાવેલ માથું અનંતની આંખોમાં તરવરી ઊઠ્યું. અનંત પહેલે માળ ચડ્યો; ત્યાં પોતાની ગાંડી થઈ ગયેલ ભાણેજ ઓરડામાં પુરાયેલી, ફાવે તેમ ગાતી હતી. ઉપલે માળે પિતાજી શ્રી શંકરાચાર્યની મોટી છબીને ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. મોં પરની કરડાકી છુપાવ્યા વિના અનંતે પણ પિતાનો ચરણસ્પર્શ લીધો. રજવાડાંના નોકરોની માફક અનંતની કેડ્યના મકોડા જ માતા-પિતાની સન્મુખ આવતાંની વારે આપોઆપ વળી જવા ટેવાઈ ગયેલા હતા, અનંત એવા વંદનમાં ઉચ્ચ સંસ્કાર કલ્પતો. સાદું 'જે-જે' એને બાંડું, તોછડું ને કલાવિહોણું લાગતું.

"આવ્યો, ભાઈ !" બાપુએ અનંતના શિર પર હાથ મૂકી કરચલિયાળા, સૂકા મોંએ કહ્યું: "તારો ભડકે બળતો કાગળ મળ્યો હતો. ચાલો આપણે વાતો કરી લઈએ." બન્ને બેઠા.

"મારા કાગળમાં તમે ભડકા ભાળ્યા, પણ તમારી આ ત્રીજા માળની શીતળ મેડીને તળિયે તો તપાસો ! ખરી ઝાળો તો ત્યાં બળે છે. તમે આંહીં