પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્વાળામુખી ઉપર જ બેઠા છો."

અનંતે આરંભ જ આવો ભપકાબંધ કરી દીધો; કેમકે એને ડર હતો કે કદાચ જરીક વાર થતાં બાપુની સમક્ષ પીગળી જવાશે, અને માંડમાંડ મોંએ કરેલાં વાક્યો ભૂલી જવાશે.

"તારી સાક્ષરી ને કવિત્વમય ભાષામાં મારા જેવા પેન્શન ખાનાર વસૂલાતી અમલદારને શું સમજાશે, ભાઈ ! સીધું કહે: ભદ્રાને છ મહિનાને માટે ખૂણો પાળવા મોકલાવી છે કે નહિ ?"

"શા માટે ? પાંચ વર્ષથી જેણે ભદ્રાને કાઢી મૂકી, વગોવી, મારી નાખવાની કોશિશો કરી એ ધણીનું ચૂડી-કર્મ કરવા ? - એના ખાતર માથું મૂંડાવવા ? ભદ્રાને હવે આજ નવેસર વિધવા બનવાનું શું હતું ! પરણી તે પછી પાંચ મહિનાથી જ એ તો રંડાપો જ વેઠી રહી છે. ચોટલે ઢસરડીને કાઢી'તી: યાદ નથી ?"

"ભાઈ !" બાપુ એ દીન સ્વરી કહ્યું: "હું ને તારી બા હવે કાંઠે બેઠાં છીએ. આ ઉંમરે હવે ન્યાતનો ને સમાજનો તિરસ્કાર અમારાથી નહિ સહેવાય. છેલ્લી વારનું પતાવી દઈએ; પછી ભદ્રાને તું તેડી જા. તેં એને જે રંડાપો આજ સુધી પળાવ્યો છે, તેને હવે પૂરેપૂરો ઉજાળી લેવા દે."

"હા; ભદ્રાના રંડાપાની આસપાસ મેં ખૂબ ભાવનાઓ ગૂંથ્યા કરી હતી, તે જ ભૂલ થઈ છે. મને લાગે છે કે કવિતાથી, ચિત્રોથી, ધૂપથી ને ફૂલોથી મેં બેનના જીવતા મોતને શણગાર્યું છે. મારે એ છોકરીને..."

અનંત જોતો હતો કે, બાપુના દિલના ટુકડા થઈ રહ્યાં છે. એની જીભ થોથરાતી હતી; પણ એને તો મનમાં ગોઠવી રાખેલાં વાક્યો હિંમત રાખીને એકઝપાટે બોલી જવાં હતાં, એટલે આગળ ચલાવ્યું: "ગીધડાં ને સમડીઓ હંમેશા મુડદાને ચૂંથે છે: જીવતાંને ચૂંથનારાં માત્ર મનુષ્યો જ છે. ભદ્રાને એ પાપીએ શરીરની કઈકઈ જગ્યા ઉપર ઘગધગતા ડામ ચાંપીને હંમેશાંની જીવતું મુડદું બનાવી છે, એ તમેય જાણો છે. જ્ઞાતિયે જાણે છે. એની કલ્પના-માત્રથી જ મારી બાના કેશ એક જ રાતમાં ધોળા બની ગયા હતા. એના મૃત્યુ પર આજ કઈ સગાઈએ ભદ્રા કેશ ઉતારે ને ચૂડીઓ