પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાંગે ! એ રાણીગામમાં પગ જ શી રીતે દેશે ! તમે માવતર ઊઠીને આજ ભદ્રાને જીવતી ચિતામાં મોકલો છો ? એ કરતાં ક્લોરોફોર્મ સુંઘાડી દો ને !"

બાપુ હસતા હતા. બાપુના ઊંડે ગયેલા ડોળાના ખાડામાંથી એ હાસ્ય રાફડાના ભોણમાંથી કોઈ સાપ જીભના લબકારા કરી રહ્યો હોય તેવું દેખાતું હતું.

"બીજું કાંઈ કહેવું છે, ભાઈ ?" બાપુએ ભયંકર ખામોશીથી પૂછ્યું.

"કશું નહિ; ભદ્રાને તમે ત્યાં ઘસડશો, તો એના માથાનો ચોટલો કપાય તે પહેલાં હું મારું માથું કપાવીશ..."

સૂરતની કૉલેજનો પ્રોફેસર અનંત હજુ ગઈ કાલે જ ઇબ્સનનાં નાટકના વિદ્યાર્થીઓને ભાષણ આપીને ગાડીમાં બેઠેલો હતો, અને પોતાની સામે કૉલેજને દરવાજે સૂઈ રહેલી 'પિકેટર' સ્ત્રીઓનો જુસ્સો જોઈને આવતો હતો. એને જ્યારે મધુમતી નામની પિકેટર કન્યાએ 'હિચકારો' કહી શરમાવ્યો હતો, ત્યારે પોતે પોતાના અંતરાત્માની પ્રમાણિક માન્યતાનો આધાર લીધેલો કે , 'રાજકારણ મારું ક્ષેત્ર નથી: હું લડીશ સમાજની બદીઓ સામે. 'આજ પોતે એ યુદ્ધ લડી રહ્યો હતો, અને સૂરત-કૉલેજને ફાટકે સૂતેલી મધુમતીને જાણે પોતે આંહી બેઠો પદકારતો હતો કે, 'આમ જો ! શું હું લડવાથી ડરતો હતો ! નહિ નહિ: स्वे स्वे कर्मे...'

આ વખતે જ દાદર ઉપર કોઈ ધીમેધીમે હાંફતું ચડી રહ્યું હતું. એ અનંતનાં બા હતાં. આજારીની પથારીમાંથી ઊઠી મહાકષ્ટે બા ઉપર આવતાં હતાં. ભદ્રાના ખભાં પર એણે ટેકો લીધો હતો. ઉપર આવીને બા કઠણ બની બેઠાં. અનંતની સામે આંખો માંડી કહ્યું: "ભદ્રાની વાતનાં ચૂંથણાં ચૂંથો છો ને, ભાઈ !"

અનંતે બહેનની સામે મીટ માંડી. નાની-શી સુંદર નદીના ક્ષીણ પ્રવાહ જેવો એનો દુર્બળ દેહ જાણે કે વહેતો હતો. નદીનાં પાનીની માફક એ પ્રેત-શરીરનાં લોહી-માંસ અણ અદીઠ આગમાં સળગી, વરાળ થઈ ઊડી રહેલ હતાં. કાલી, મોટી આંખોની આસપાસ દાઝ્યો પડી ગઈ હતી. પણ