પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનંતની નજર તો બહેનના કેશની બન્ને ગાલો પર ઝૂલતી કાળી ભમ્મર લટો ઉપર હતી. ભાઈ નાનો હતો ત્યારે એ અંબોડામાં કરેણનાં ફૂલ ભરતો, ને એ લટોમાં મોં છૂપાવી ચંદ્ર-વાદળની રમત રમતો. અત્યારે ભાઈનો દેહ બહેનને ભેટી ન શકે; પણ અંદરનો પ્રાણ આંખો વાટે એ લટો પર ચડી, વડલાની ડાળે વાંદરું રમે તેમ, ઓળકોળાંબડે રમવા લાગ્યો. ત્યાં તો બાએ ફરીવાર પોરો ખાઈને અનંતને સંબોધી શરૂ કર્યું:

"ભાઈ ! ચીંથરાં શીદને ફાડછ ? આ શેરી ને આ નાત અમારી દુનિયાના છેડા ઠર્યા. હવે આ આંખો આઘેરું નહિ જોઈ શકે. અમારી બુદ્ધિને તાળાં દીધેલ સમજ: અમને પેટનાં બાળ ભક્ષનારાં સમજ. બેનને આ ખોળામાં ધવરાવી છે. દૂધ પીતી કરી હોત તો દુઃખ નો'તું; પણ જીવતી રહી છે, એટલે એનો ચૂડો ને ચોટલો ઉતાર્યા વિના અમારે છૂટકો નથી."

"નીકર ?" અનંતે બા સામે જોયા વગર પૂછ્યું.

"નેકર હું ને તારો બાપ અફીણ ઘોળશું. તમે સુખી થાજો, ભાઈ ! આજ લગી તમે 'માતૃદેવો ભવ'ના ને પિતૃદેવો ભવ'ના જાપ જપ્યા; તમે આ માના ખોળા ખૂંદ્યા: આજ અમારું મોત બગાડવા ઊભા થયા છો, ખરું ?"

એ જ વેળા બીજે માળેથી કોઈ ગાતું હતું કે -

કરતા હોય સો કીજિયેં,
અવર ન કીજે, કગ્ગ!
માથું રહી જાય શેવાળમાં,
ને ઊંચા રહી જાય પગ.

અનંતના વ્યવહારડાહ્યા મોટાભાઈનો એ અવાજ હતો. બહુ વખતસર એ દોહરાના સૂર નીકળતા હતા. 'માતૃદેવો ભવ !પિતૃદેવો ભવ !'ના જૂના સંસ્કાર અનંતના આત્માની અંદર ગુંજવા લાગ્યા. અનંત બીજું જેટલું વ્યાખ્યાન ગોખીને લાવ્યો હતો, તે ભૂલી જવા લાગ્યો. બા બોલ્યાં:

"છેવટે તારે કરવું તો છે તો બેનનું ઘરઘરણું ને ! બહુ સારું; ખુશીથી; અમારા પંડ્ય પડ્યા પછી મનધાર્યું કરજો. પણ અમે બેઠાં તો ધરમને નહિ જવા દઈએ, ભાઈ !"