પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપુ વચ્ચે આવ્યા: "તમે એમ ગરમ શીદને બનો છો ? હું ભાઈને સમજાવું: જો, ભાઈ: તારું શું ચાલવાનું ? આ ભદ્રા તો ગરીબ ગાય છે. આપણા ન્યાત-પટેલો એના ભવાડા કરશે; એની બદબોઈ કરી એને જીવતી મારી નાખશે: તે કરતાં અમારો માર્ગ શું ભૂંડો છે ? તું સાથે આવીશ તો તારી શેહમાં દબાઈને એનાં સાસરિયાં એને પીડતાં અટકશે. સહુની આબરૂ રહેશે. પછી તું ને તારી બેન મનનું ધાર્યું બધુંયે કરી શકશો."

અનંતનો દારૂગોળો ખલાસ થઈ ગયો. જે માતાના ખોળે બેસી એણે ધાવણ ધાવેલું, વાર્તાઓ સાંભળેલી, ધગધગતા તાવથી તપતું શરીર ઢાળેલું, તે માની છેલ્લી - છેલ્લામાં છેલ્લી - માગણી અનંતને મન પરમ પવિત્ર બની ગઈ. ભદ્રાનો ભોગ અપાઈ ગયા પછી પોતે એક મહાન ક્રાંતિકાર બની શકશે. એ એનું આશ્વાસન હતું.

"ત્યારે જો, બેટા" બાપુએ આખો કાર્યક્રમ રજૂ કર્યો: "બેનનું ચૂડી-કર્મ તો આંહીં આપણને મરણના ખબર મળે કે તરત જ કરી લેવું જોઈએ, પણ ભદ્રા તો હઠે ભરાયેલી, તારા આવ્યા વગર એ માનવાની જ નહોતી, એટલે હવે અત્યારે જ કરી નાખીએ: એક ચૂડલી ભાંગવામાં શી વાર છે !"

અનંતની કલ્પનામાં ભદ્રાના કાંડાનાં કંકણ 'કડડ ! કડાડ ! કડડ !' બોલતાં સંભળાયાં. એ કડકાટમાં અનંતે સ્વરો ગૂંજતા સાંભળ્યા કે, 'માતૃદેવો ભવ ! પિતૃદેવો ભવ !' પિતાએ આગળ ચલાવ્યું.

"પછી આજ રાતે ગાડીએ બેસીએ. વચ્ચે લીંબડી, વઢવાણ, લખતર ને વીરમગામથી આપણા ધનશંકર, નરહરિ, હરિહર વગેરે કાણિયાઓ એની વહુઓ સાથે ભેળા થશે. સવારે નાની ગાડી બદલશું. સમાણા સ્ટેશને ઊતરી ગાડું કરી લેશું. તું ને હું આગળ જઈને ત્રિપુરાશંકરની માફામાફી કરી લેશું; કેમકે ગામમાં એણે ગુંડાઓ તૈયાર રાખીને ભદ્રાની ઉપર વેર વાળવાની પેરવી કરી છે. કોઇ રીતે હાથે-પગે લાગી, બારમા સુધી રોકાઈ બેનના માથાનું ક્ષૌર-કર્મ થઈ જાય એટલે આપણે ચાલ્યા આવશું. બેન પાંચેક મહિનાનો ખૂણો પાળી લેશે, એટલે તેડી લાવશું. પછી તું ઠીક પડે તેમ