પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંચરેલા સ્વામીનાથને અર્પણ કરવા જવાનું છે. અંધારું થયું, એટલે એની યાદદાસ્ત ઢૂકડા-ઢૂકડા ક્યા ક્યા ને કેટલા કેટલા ઊંડા કૂવાઓ છે તેની ગોત કરવા લાગી. પછી એણે અગાશીની પાળ પરથી નીચે બજારમાં નજર કરી. આંખે તમ્મર આવ્યાં. મન બોલ્યું: 'આ જ ઠીક નથી ?'

એ વખતે થોડે દૂર નેહરુ ચોકમાંથી કાંઈક અવાજો આવ્યા: 'ઝંડા ઊંચા રહે હમારા'નું જોશીલું ગીત: ફટકા અને લાઠીઓની ફડાફડી: ઘોડેસવારોની ને તોપખાનાની દોડાદોડ. કાંઈક તુમુલ કાંડ જામ્યો છે. જગડૂ શેરીના શ્રીમંતો દુકાનો વધાવી લઈ મકાનોમાં પેસી રહેલ છે. એક આગેવાન પોળવાસી ગભરાટભર્યો શેરીમાં ઘેરઘેર જઈને કહી રહેલ છે કે, "મામલો વીફર્યો છે, ભાઈઓ ! નવરોજીના પીઠા પાસે બાઈઓના ચોટલા ઝાલીને સોલ્જરો ભોંય પર ખેંચે છે, ચત્તીપાટ પછાડીપછાડીને બંદૂકને કૂંદે-કૂંદે ગૂંદે છે, ને કહે છે કે ગયે વખતે તો જેલમાં બાયડીઓની બંગડીઓજ ભાંગતા, પણ આ વખતે તો ચોટલા મુંડવાના છે. જોજો, ભાઈઓ, ચેતજો ! જહાનમમાં જાય એ સ્વરાજ ને એ ગાં...'

ટપોટપ જગડૂ શેરીનાં ઘરો બંધ થયાં. પાડોશીઓ આ તોફાન જોવા માટે ભદ્રાના ઘરની અગાશીએ ચડ્યાં, ને એ ભીડાભીડમાં ભદ્રા બહારના દાદરેથી નીચે ઊતરી ગઈ. બહાર નીકળી મકાનને ખૂણે અંધારામાં એક જ પળ ઊભી રહી.

કોઈકોઈ વાર એક યુગ કરતાં એક પળની શક્તિ વધારે હોય છે. એવી પળ એટલે કાળની બંદૂક્માં ઠાંસી-ઠાંસીને ઘરબેલી દારૂગોળી.

વંટોળિયાની ગતિથી ભદ્રા નેહરુ ચોક તરફ ચાલી ગઈ. એના અંગમાં ને અંતરમાં કોઈક અજાણ્યું બળ ફાટફાટ થતું હતું. પહોંચી ગઈ, અને લાકડેઓની ફડાફડીમાં કોણ જાણે ક્યાં ગાયેબ થઈ.

બે જ કલાકમાં પાછી શાંતિ છવાઈ. જગડૂ શેરીના લખપતિ શેઠિયાઓ ઘરની બહાર નીકળીને ખોંખારો ખાઈ વાતો કરવા લાગ્યા કે "આપણી શેરી તો પટારા જેવી છે પટારા જેવી ! અપણું જૂથ કેવું જબ્બર