પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શુકલ છું એથી તો દીકરીને દૂધ પીતી કરીશ, પણ કઠેકાણે કેમ નાખીશ ?"

જ્ઞાતિનાં ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યાં હતાં, ત્યારે સદાશિવ ટપાલીના પેશીદાર, લઠ્ઠ પગ ગામને બીજે છેડે સોંસરા નીકળી ચૂક્યા હતા. “દાક્તર સાહે...બ', 'ફોજદાર સાહે..બ', 'હીરાચંદ પાનાચંદ', 'સપાઈ દાદુ અભરામ', 'પગી ઝીણિયા કાળા' અને 'મેતર માલિયા ખસ્તા' એવા સિંહનાદે એક પછી એક શેરીને અને ફળીને ચમકાવતો, ઘરેઘર કાગળ ફેંકતો સદાશિવ સડેડાટ, કોઈની સાથે વાતો કરવા થોભ્યા વિના કે ગતિમાં ફેર પાડ્યા વિના, ગાંડાની માફક ચાલતો હતો. આડુંઅવળું જોવાની એને ટેવ નહોતી. એક તો જાતનો શુકલ, અને પાછો અભણ, એટલે તોછડો તો ખરો. ખુદ નગરશેઠ પૂછે કે ‘મારો કાગળ છે ?' તો જવાબમાં ‘ના જી‘ને બદલે એકલી ‘ના’ જ કહેવાની સદાશિવિયાની તોછડાઇને કારણે નગરશેઠે પોસ્ટખાતાને ફરિયાદ કરી હતી. ‘નૉટ-પેઇડ’ થયેલું પરબીડિયું છાનું વાંચવા દઇને પાછું લઈ જવાની એણે ના પાડેલી, તેથી મ્યુનિસિપાલિટીના નવા ‘કાઉન્સિલર’ જમિયતરામભાઈનો એ ગમારે ખોફ વહોરેલો. પરિણામે એના ખોરડાને એક બારી મૂકવાની પરવાનગી જોઈતી હતી તે નહોતી મળી.

પણ સદાશિવ ટપાલીનો કોળીવાડાને, કુંભારવાડાને, તેમજ ઢેઢવાડાને ભારી સંતોષ હતો. ઘર-ધણી ઘેર ન હોય તો એનો કાગળ પોતે પૂરી કાળજીથી ઘરના બારણાની તડમાંથી સેરવી આવતો. ઢેઢવાડાના કાગળો એ ઠેઠ રામદેવ પીરના ઘોડાની દેરી સુધી જઈને આપી આવતો. માલિયા ઝાંપડાનું રજિસ્ટર આવેલું, તેની પહોંચ પોતે છાંટ લીધા વગર જ લઈ લીધેલી. અને ગલાલ ડોશી કહેતાં કે, “મારા દીકરાનું મનીઆડર આવેલું તે દિ’ હું ખેતર ગઈ’તી તે સદાશીવ બાપડો દિ’ આથમતાં સુધીમાં ત્રણ આંટા ખાઈને પણ તે દિ’ ને તે દિ’ પૈસા પોગાડ્યે રિયો’તો. તે દિ’ જો મને નાણાં ન મળ્યાં હોત ને, તો તળશી શેઠ ઉધાર માંડીને બાજરો આપવાનો નો’તો !”

ને, તે સાચે જ શું સદાશિવ રૂપાળો હતો ? એની સચોટ સાક્ષી જો’તી હોય તો પૂછો ભવાનીશંકરકાકાની જુવાન દીકરી મંગળાને. પણ