પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાનમાં આવ્યા, તે બનાવે આખા ગામને હેરત પમાડી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક ભવાનીશંકરકાકા પણ તે ઘડીથી ધરતીથી એક વેંત અધ્ધર ચાલતા થયા. પ્રોસિક્યુટરે ચોરાસી જમાડી, તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે ગામના બન્ને ઢેઢવાડા ધરાયા ને મોટેમોટે ચાળીસ ઘેર પિરસણાં પહોંચ્યાં. ઇડર રાજનું દરબારી બૅન્ડ આવીને ગામને ચાર-ચાર દિવસ સુધી જલસા કરાવી ગયું, એ તો અવધિ થઇ ગઇ.

આવી જાહોજલાલીથી પરણી ઊતરેલી પંદર વર્ષની ઉગ્રભાગી મંગળા ઇડર રાજ્યના પ્રોસિક્યુટરની અર્ધાંગના બની. 'અર્ધાગના' શબ્દ આંહીં અલંકારમાં કે કટાક્ષમાં નથી વાપરેલો. સોગંદ પર કહી શકાય કે વરરાજાનો બેઠી દડીનો, ચરબીવંત દેહ મંગળાના શરીરથી બેવડો મોટો હતો. ઇડર રાજના પ્રોસિક્યુટરની પડખોપડખ બેઠેલી બહેન મંગળા એના પિતા ભવાનીશંકર પંડ્યાને તો બરોબર કોઇ ઘટાદાર આમ્ર-વૃક્ષને વળુંભતી માધવી-લતા સમાણી લાગી હતી. પણ આતો આડા ઊતરી જવાયું. કહેવાનું એ હતું કે, બહેન મંગળા પરણીને સિધાવી તેના વળતા સવારથી જ સદાશિવ ટપાલી ઘેર રોટલો ટીપવા આવતો બંધ થયો હતો. પોસ્ટ-ઑફિસ સામે એક બગીચો હતો, તેના બાંકડા ઉપર બેસીને બે-ચાર પૈસાના ભજિયાં કે ગાંઠિયા ખાઇને ફુવારાના નળનું પાણી પી લેતો.

વાણિયાની દુકાનનાં ભજિયાં-ગાંઠિયા ખાઇને સદાશિવ ટપાલીએ બ્રાહ્મણ જેવો પવિત્ર દેહ વટલાવ્યો હતો, એનું એક કારણ કહેતાં ભૂલી જવાયું છે, જે દિવસ મંગળાના વિવાહની ચોરાસી જમી, તે દિવસે એ પણ એના દાદાની વેળાનું જાળવી રાખેલું સહેજ જળી ગયેલું રેશમી પિતામ્બર પહેરી, પટારામાંથી કાઢીને ખંતથી માંજેલો જસત નો ચક્ચકિત લોટો લઇ ચોટલી ઓળી, ખાસું ચાર ઇંચનું ત્રણ-પાંખિયાળું ત્રિપુંડ તાણી જમવા ગયો, પણ પંગતમાં બેસવા ગયો ત્યારે એને દરેક તડાએ આંહીં નહીં... આંહીં જગ્યા નથી ...' કહીને તારવેલો, ટલ્લે ચડવેલો. ચોરાસીની ન્યાતમાં તે દિવસ સદાશિવ ટપાલીની દશા દ્રૌપદી-સ્વયંવરમાંના દાસી-પુત્ર કર્ણના જેવી થઇ હતી. દાઝમાં ને દાઝમાં ગમારે બોળી માર્યું કે "શું હું શુક્લ બ્રાહ્મણ નથી ?"