પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ વખતે કોઇકે અવાજ કર્યો: "વાં...ઢો ! ત્રીસ વરસનો ઢાં..ઢો ! "

કોઇ શિકારી શ્વાનના જૂથ ને સિસકારે તેવી મજાની આ શબ્દોની અસર થઇ હતી: ખિખિયાટી અને હસાહસ ચાલ્યાં હતાં, કોપાગ્નિમાં સળગતા સદાશિવે જવાબમાં હૈયે હતું તે હોઠે લાવીને બોલી નાખ્યું કે “વાંઢો વાંઢો કરતાં લાજતા નથી ? શા સારૂ પારકાને તેડાવી દીકરિયું દઇ દિયો છો ? શું અમે મજૂરી કરીનેય બાયડીનાં પેટ પૂરતા નથી ? શું અમને બાયડી વા’લી નથી ? શા સારૂ પારકાને –“

એજ વખતે કાકો ભવાનીશંકર શુક્લ આ રંગભૂમિ પર દેખાયા. એણે સદાશિવની બોચી ઝલી આટલું જ કહ્યું: ‘હું સમજું છું તારા પેટનું પાપ. જા ! બાપનું કારજ કર્યા પછી જ પંગતમાં બેસવા આવજે !”

સદાશિવ ટપાલી ઘેર ચાલ્યો ગયો. પછી એ આખા બનાવમાંથી કક્ત એક જ બિના એ વારે વારે સંભારતો, ને મનમાં ને મનમાં બબડતો કે, તે વખતે બાઇઓની પંગતમાં મંગળા બેઠી’તી ખરી ? એને ખિખિયાટા કર્યા’તા ખરા ? આજ બે વરસે હું શા સાટુ નીમ તોડીંને ન્યાતમાં ગયો ? મંગળાને છેલ્લી વાર જોઇ લેવાનો મોહ કેમ ન છોડ્યો ? એ ત્યાં બેઠી હતી ખરી ? એ હસી હશે ખરી ? એનાં દેખતાં જ શું ફજેતી થઇ ?'

એ દિવસ થી સદાશિવ ઉઘાડેછોગ વાણિયાના ભજિયાં ખાઇને ન્યાત ઉપર દાઝ કાઢતો હતો.

[૩]

ભવાનીકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને સદાશિવે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો થેલો ઉપાડીને નદી-કાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજે-રોજ ચાલી નીકળે છે. નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યોછે. બન્ને એકલા છે: બન્ને મૂંગા છે: બન્નેને તાપમાં તપતાંતપતાં, બસ, કેવળ પંથ જ કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા; અને બીજાના માથા પર અનેકમાનવીઓનાં સુખા – દુ:ખની છૂપી – અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો. પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના