પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અઢળક રંગ – તેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, તેમ સદાશિવ ના હૈયાને પણ એ થેલી માંહેલા કાગળો એક લાગણી, ધબકાર એક નિશ્વાસ પણ નહોતા દેતા. બન્ને નું જીવતર વેરાનમાં વહેતું. રેણુ નદી દરિયે પહોંચ્યા પહેલાં જ ખારાપાટમાં ફોળાઇ-શોષાઇ જતી: સદાશિવનું જીવન – વહેણ પણ એકલતાની ધરતીમાં ઊતરીને વરાળ બની જતું. પારકાના અધમણ કાગળો ઉપાડનારને પોતાને તો એક ચપતરી મોકલવાનું પણ કોઇ સરનામું નહોતું. ઘણીવાર એની આંગળીઓ ત્રમ્ - ત્રમ્ થતી. એક વાર કવરમાં એક નનામો કાગળ ફક્ત ‘તમો સુખી છો ?’ એટલું લખીને ચોડ્યો હતો. સરનામું ‘બેન મંગળા, ઠે...' એટલું લખતાં તો આંગળીઓ પરસેવે ટપકી ગયેલી; ને એ કવરની ઝીણીઝીણી કરચો કરીને ગજવામાં રાખી મૂકી ફેરણીએ નીકળતી વખતે, કો ઇ ન દેખે તેમ, નદીમાં પધરાવી દીધેલી.

જગતમાં ‘વાંઢા’ જેવો કોઇ ગહન કોયડો છે ખરો ? એને કોઇ પડોશમાં ઘર ન આપે: કોઢિયા ને રક્ત્પીતિયા જેવો એ ભયંકર છે. એનું ટીખળ સહુયે કરે; પણ એને પોતાને તો છૂટથી હસવાનુંય જોખમ છે. પાડોશના બાળકને જો એ પીપરમીટ લાવીને આપે, તો તે ઘડીથી ‘બબલીની બા’ અને આ પીપરમીટ આપનાર વાંઢાની ચાર આંખો કેટલી વાર અને કેટલી ‘ડીગ્રી’ને ખૂણે મળે છે તેની ગુપ્ત તપાસ ‘બબલીના બાપા’ રાખવા લાગે. એ જો બરાડા પાડીને કવિતા વાંચે તો બૈરાં સમજે કે, ‘પીટ્યો અમને સંભળાવવા સારુ આરડે છે !’ એ જો મૂંગો મરી રહે, તો ‘હલકા મનસૂબા' ગોઠવતો લાગે. એની અનંત વેદનાઓને વ્યકત થવામાં સભ્ય-વાક્ય એક જ: 'મારે રોટલ-પાણીની વપત્ય વડે છે !’

[૪]

“મારું કરમ ફૂટી ગયું, ભાઇ ! દીકરી મંગળનો ચૂડો ભાંગ્યો.”

“ઓચિંતનું શું થયું ?”

“હરિ જાણે ! જમાઇની કાયા તો કંચન સરખી હતી; પણ એકાએક હ્રદય બંધ પડી ગયું. ઓછમાં પૂરું દરબારે મકાન પણ પાછું લઇ લીધું;