પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જમીન આપી’તી તે રાજમાં દાખલ કરી દીધી, અને દીકરીને પહેર્યે લૂગડે બહાર કાઢી.”

“આ તે શો કોપ !”

“હું જાણું છું, ભાઇ, જાણું છું: દીકરીના લીલા માંડવા હેઠે જ એ કાળમૂખો સદાશિવિયો તે દિ’ નિસાપો નાખી ગયેલો ને શરાપી ગયેલો. વાઘરીવાડે જઇને કાંઇક કામણટુમણ પણ કરાવતો હતો. એનાં પાપ મંગળાની આડાં ફરી વળ્યાં.”

ભવાનીકાકની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છે: જમાઇરાજનું મૃત્યુ સદાશિવના શાપથી નહિ પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું. એ માધવીલતાનો ઓધાર આંબો જાણે કે બેહદ કેરીઓના ફાલથી ફસકાઇ પડ્યો હતો.

*

એક વરસ વીતી ગયું છે. માથાના ચળકતા મૂંડા સાથે અઢાર વર્ષની મંગળા મહિયરે ખૂણો મુકાવવા આવી છે. એક વરસની કીકી એની કેડ્યે રમે છે. હવે એને પાછું સાસરે જવાનું રહ્યું નથી. વરના પિત્રાઇઓએ એની સાસરીની સંપત્તિનો કબજો કરી લઇ આ ‘રાંડમૂંડી’ ને માસિક બે રૂપિયા જિવાઇના ઠરાવી આપ્યા છે. ભવાનીકાકાને નવી વહુથી થયેલી બાળગોપાળ-વાડી બહોળી હોઇ આ રાંડીરાંડ દીકરી ઉપર ખાસ કશું હેત તો નથી રહ્યું; પણ મંગળાનો રંડાપો એને ભારી ઉપયોગી થઇ પડ્યો: નવી માને વરસોવરસ આવતી સુવાવડ મંગળા જ કરશે; અને એટલી બધી સુવાવડને કારણે મા માંદાંસાજાં રહે છે, તેને કામમાંથી સંપૂર્ણ વિસામો મળશે.

નદી-કાંઠે ધોળી માટીના ઓરિયા હતા. આખી ગોહિલવાડમાં એ માટી પંકાતી. ગાર-ઓળીપામાં એનો તે કાંઇ રંગ ઊઘડતો ! ભવાનીકાકાને નવું પરણેતર, એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવવી ગમતી. કેડ્યે પોતાની નાની કીકીને તેડી. ખંભે કોસ ઉપાડી, માથા પર પછેડી લઇ મંગળા એ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી. સવાર-સાંજ તો ઘર-