પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


મંછાની સુવાવડ


"જ તો આખી રાત મંછા લવતી'તી ?"

"લવે નહિ ? સુવાવડમાં તે કાંઈ ભાયડાના કાગળો વંચાતા હશે અને સામા જવાબ લખાતા હશે ? રાત-દિ' એક જ રટણ, માડી !"

"કોનું રટણ ?"

"ધીરજલાલનું ! બીજા કોનું ! પથારીમાંથી ઊઠીઊઠીને ઊભી થવા જાય છે. એનો વર જાણે સામે ઊભો હોય એમ બોલે છે કે, 'બારણામાં કાં ઊભા ? ઓરા આવોની ! મારે માથે હાથ મેલોની ?' ઠીક પડે એમ બકે છે."

"તાવ છે ?"

"તાવ તો ધાણી ફૂટે એવો ભર્યો છે."

"તો ધીરજલાલને તેડાવશું ?"

"અટાણે ? સુવાવડ ટાણે ? જમાઈને ! જગત વાતું કરે કે બીજું કાંઇ ?"

"મળવા કે મોં જોવા એકબીજાંને નહિ દઇએ. આંહીં આવેલ છે એટલા વિચારથી જ દીકરીને શાતા વળશે."

"ભલે, તેડાવો ત્યારે. બાકી, કાંઈ જરૂર નથી. રે'તે-રે'તે બધું મટી જશે. કાંઈક પેટ ભરીને ખાય તો મટે ને ! આજકાલનાં ચાગલાં છોકરાં: શીરો મોંમાંય ઘાલતી નથી. અમે તો બાર સુવાવડ્યું ઉડાડી મેલી ! ટંકેટંકે શેર ઘીનો લદબદતો શીરો ખાઈને પગની આંટી નાખી એ...ય મજાનાં ઊંઘી રે'તાં."

"ત્યારે તાર કરું છું." આવા શીરાથી બેનસીબ રહેવા સર્જાયેલ પુરુષે હોઠ ઉપર જીભ ફેરવતાં કહ્યું.