પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુવાવડી શુદ્ધિમાં નથી, એ લવે છે: "હં ! હં ! મોડી રાતે મને એકલી મૂકીને સ્ટેશને ભાગી જાવને ! 'કટ ! કટ ! કટ ! કટ !' કરી કરીને આખી દુનિયા સાથે વાતો કરો ને ! હું બધું જ સમજું છું..."

એ લવારા પરથી કલ્પી શકાય કે મંછાનો વર કોઈ સ્ટેશનનો રાતની નોકરી કરનાર 'ડેપ્યુટી' સ્ટેશન-માસ્તર હશે.

ઓચિંતી મંછા ઊઠે છે, લોચે છે, ગળું સુકાતું હોય તેમ જીભ વતી હોઠ ચાટે છે.

"પાણી જોઈએ છે, મંછા ?" કહીને જુવાન પાસેની માટલીમાંથી પ્યાલું ભરે છે, પાય છે, વાશી પાણી ગંધાય છે. મંછાને પાણી પિવાડીને પાછી ધીરે હાથે પંપાળે છે. મોટે અવાજે બોલે છે કે "આ ગાભા કેમ પાથર્યા છે ? અરે, કોઈ એક સારું ગાદલું તો લાવો !"

સાસુ આવીને ઊભાં રહે છે: "ગાદલું ? સુવાવડમાં નવું ગાદલું ! અમે તો આ ને આ ગાભા માથે જ બાર સુવાવડ્યો કાઢી નાખી !" હસીને એ કહે છે.

જુવાન પોતાની સાસુના હેડમ્બ-દેહ ઉપર નખશિખ નીરખી રહ્યો. દરમિયાન ઘરની એક જુવાન સ્ત્રી લાજ કાઢીને આવી ઊભી રહી. એના હાથમાં એક અધોતું ગોદડું હતું.

"લે જા, જા વહુ ! જરાક શરમા. કે'તલ તો દીવાના પણ સુણતલ બી દીવાના !"

સાસુજીના એટલા જ શબ્દે ઘૂમટાવાળી પુત્રવધૂને પાછી વાળી - કોઈ લશ્કરી અમલદાર પોતાણી સામે ઊભેલા સૈનિકને 'એબાઉટ ટર્ન: ક્વિક માર્ચ' ફરમાવી બહાર કાઢે તે રીતે.

"જમાઈએ તો આખું ગામ માથે લીધું."

"હું બજારે બેસી શકતો નથી. મારી ફજેતી થાય છે."

"શેરીએ ને કૂવા-કાંઠે બાઈઓ પણ એ જ બોલે છે કે, આ તે કોનું ખોરડું ! જમાઈ આવ્યો તો આવ્યો, પણ પરબારો સુવાવડીને ઓરડે પેઠો,