પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાટલે બેસી ગયો, ખસતો જ નથી. સુવાડેય પોતે, ઉઠાડેય પોતે, મળ-મૂતર પોતે ઉપાડે: આ તો દાટ વાળ્યો !"

"છોકરી સારુ નવું ગોદડું ક્યાંથી લઈ આવ્યો ?"

"પોતાના બિસ્તરમાંથી કાઢીને પાથર્યું."

"મળ-મૂતરનાં ઠામડાં વેચાતાં લઈને ગામમાં નીકળ્યો એ દેખીને તો આપણા ન્યાતીલાએ મારા ઉપર માછલાં ધોયાં."

એ જ વખતે ધીરજલાલ દાખલ થાય છે. એના વાળનું કે લૂગડાંનું ઠેકાણું નથી. ઉજાગરાથી એની આંખો લાલઘૂમ છે.

"કેમ, ધીરજલાલ પારેખ ! આ શું ?"

"રાજકોટથી એકેદમ મોટા દાક્તરને બોલાવવો પડશે. મંછાને ગુહ્ય ભાગે એક લાંબો ચીરો પડેલો છે, ને એમાંથી લોહી વહ્યું જાય છે. આ તમારી કોઈની નજરે કેમ નથી ચડ્યું ?"

લજ્જાથી ધરતીમાં સમાવા તત્પર હોય એવાં મંછાનાં બા આડું જોઈને મોં આડે છેડો ઢાંકે છે, ઓઘડ માસ્તર આભા બને છે: "ધીરજલાલ ! આ તો સભ્યતા ચુકાય છે."

ધીરુ બોલ્યો: "એ ચીરો કોઈના જોવામાં જ ના આવ્યો ? આ તો હમણાં મેં આંહીંની 'મિડ-વાઇફ'ને બોલાવીને તપાસ્યું ત્યારે જ ખબર પડી. નીકર આનું શું થાત ! આ લોહી વહે છે એટલે જ બેભાન છે. એને આનો જ તાવ અને સનેપાત છે. જખમ 'સેપ્ટીક' બની ગયો છે."

"તમે શું સમજો, ધીરજલાલ !" સાસુ કોચવાયાં: "એને તો કંઈક વળગાડ છે, બાપ ! તમારી મૂએલી મા ચોંટી પડી છે, ભા ! ઠાલા-લોહીની અને ચીરાની વાત શીદ કરો છો ?"

"આપણા રામેશ્વર વૈદ અને મોતડી સુયાણી શું કહે છે ?" સસરાએ પૂછ્યું.

"આમાં વૈદ-સુયાણીની વાત જવા દઈએ." જમાઈએ કહ્યું.

"એમ કેમ ? રામેશ્વરને તો ચરક ને સુશ્રુત બેયના શ્લોકેશ્લોક કંઠાગ્રે છે. એણે તો મડાં બેઠાં કર્યાં છે."